નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના DSP દેવિંદરસિંહ અને હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓએ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી છે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ અરજદારોના વકીલ એમ.એસ. ખાનને જણાવ્યું હતું કે, અરજીમાં નોંધાયેલા દસ્તાવેજો અધૂરા છે.
કોર્ટે અરજદારોને આ અરજી પરત ખેંચવાની મંજૂરી આપતા કહ્યું હતું કે, જો તેઓ ઈચ્છે તો તેઓ ફરીથી સંપૂર્ણ દસ્તાવેજો સાથે જામીન અરજી દાખલ કરી શકે છે. અરજીમાં જણાવાયું છે કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
જામીન અરજી સામે કોઈ નક્કર પુરાવા નથી કે, જેમાં એમ કહેવામાં આવ્યું હોઇ કે, આરોપીઓ તેમની ધરપકડ થયા પછીથી જેલમાં છે. હવે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તપાસમાં તેમની કોઈ જરૂર નથી. તેમની કાર્યવાહીથી દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટે કોઈ ખતરો છે. તેવું સાબિત કરવા માટે તેમની સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
18 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટે દેવિંદરસિંહ સહિત 4 આરોપીઓને 16 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ગત 7 મેના રોજ કોર્ટે ચારેય આરોપીઓ સામે પ્રોડક્શન વરંટ જારી કર્યું હતું. હકીકતમાં, તિહાર જેલ પ્રશાસને કહ્યું હતું કે, ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકાય નહીં કારણ કે તેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ છે.
તે પછી કોર્ટે જમ્મુ-કાશ્મીરના હિરાસિંહ નગર જેલ વહીવટને દેવિંદર સિંહ સહિત 4 આરોપીઓને રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. દેવિંદરસિંહ સિવાય અદાલતે જાવેદ ઇકબાલ, સૈયદ નાવેદ મુસ્તાક અને શફી મીર સહિતના આરોપીઓ સામે પ્રોડક્શન વરંટ જારી કર્યું હતું.
ગત જાન્યુઆરીમાં દેવિંદરસિંહની બે હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું હતું કે, મુસ્તાક અને તેના સાથીઓ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા. વિશેષ સેલના જણાવ્યા મુજબ મુસ્તાક ઈન્ટરનેટ દ્વારા સહ આરોપી અને આતંકવાદીઓ સાથે વાત કરતો હતો. તેણે વાતચીત માટે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો.
દિલ્હી પોલીસે નોંધાવેલી FIR મુજબ જમ્મુ-કાશ્મીર અને પંજાબના યુવાનોને આતંકવાદી ડી કંપની અને છોટા શકીલની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા તાલીમ આપવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલને ઇનપુટ મળ્યું હતું કે, ડી કંપની પંજાબના ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડે છે.