નવી દિલ્હીઃ દેશભરની અત્યાધુનિક માળખું ધરાવતી ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓને અનેક પ્રકારની સુવિધાઓ આપવાનો વારંવાર દાવો કરવામાં આવતો હોય છે. પરંતુ આ સુવિધાઓનો ફાયદો દર્દીઓને થાય છે કે હોસ્પિટલના લેભાગુ તંત્રને તે એક સવાલ છે.
દિલ્હીની ખાનગી હોસ્પિટલો ફોર્ટિસ, અપોલો, મેક્સ સહિતની 11 હોસ્પિટલોના ફોરેન્સિક ઓડિટની માંગણી કરતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓ સાથે છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ત્રણ વકીલો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સસ્તા ભાવે મળેલી જમીન પર આ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. તેનું નિર્માણ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીઓને રાહતદરે ઈલાજ કરવા માટે કરવામાં આવ્યું છે. પરંતુ આ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ઘણી મોટી ફી લેવામાં આવે છે.
કોરોના મહામારીના સમયમાં આ હોસ્પિટલ દર્દીઓ પાસેથી સેનેટાઈઝર, ગ્લવઝ, પીપીઈ કીટના નામે અણઘડ રીતે પૈસા વસૂલી રહી છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા પોતાના ફાયદા માટે ચેરીટેબલ ટ્રસ્ટના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી તેનું વ્યાવસાયીકરણ થઈ શકે. દાનના બહાને પણ તગડું ધન મેળવી ડોકટરો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.
જો સરકારે સસ્તા ભાવે આ હોસ્પિટલોને જમીન આપી હોય તો એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે.