ગુવાહાટીઃ આસામમાં થતાં ધોધમાર વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ભયચિહ્નની ઉપર પહોંચી ગયું છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર સ્થિતિ સર્જાઈ છે. 26થી વધુ જિલ્લાઓ જળબંબાકાર બન્યા છે, તો 35 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે, ત્યારે મૃતકોનો આંક 68 પહોંચ્યો છે.
રાજ્યના કેટલાંક જિલ્લામાં વધતાં જોખમને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ તૈનાત કરાઈ છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, 3,376 ગામડાં પૂરથી અસરગ્રસ્ત છે. ઘેમાજી, લક્ષ્મીપુર, ચરાઈદેવ, વિશ્વનાથ, ચિરાંગ અને તિનસુકિયા જિલ્લાની પરિસ્થિતી ખૂબ ખરાબ છે.
ઉલ્લેખનીય છે કે, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બ્રહ્મપુત્ર અને સહાય નદીઓના પાણી ફરી વળ્યું છે. જેનાથી પાર્કનો 80 ટકા ભાગ ડૂબી ગયો છે. અત્યાર સુધી કાજીરંગા નેશનલ પાર્કમાં 66 પ્રાણીઓના મોત થયા છે, તો 170 પ્રાણીઓ રેસ્ક્યૂ કરાયા છે.