મનાલીમાં ટુંક સમયમાં દેશનું પહેલુ આઈસ સ્કેટિંગ હોકીનું સ્ટેડિયમ બનશે. જે બનાવવા પાછળ 70 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે. આ સ્ટેડિયમ બની ગયા પછી મનાલીમાં આવતા પ્રવાસીઓમાં વધારો થશે. ધર્મશાળામાં મળેલી શિયાળું રમતોને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મિટમાં નેધરલેન્ડ સાથે તેના MOU પર હસ્તાક્ષર થયા હતા. PPP મોડ હેઠળ આ યોજના માટે લગભગ 70 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
વન પરિવન અને રમત ગમત પ્રધાન ગોવિંદસિંહે જણાવ્યું કે, આ MOU શિયાળું રમતો માટે આશિર્વાદ સમાન સાબિત થશે કેમ કે આ બંન્ને રમતોનો સમાવેશ વિન્ટર ગેમ્સ ઑલિમ્પિકમાં થાય છે. હોટલ એસોસિએશનના પ્રમુખ અનુપ રામ ઠાકુરે જણાવ્યું કે, સ્ટેડિયમ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.
સ્ટેડિયમમાં બારેમાસ બરફ રહેશે, જેમાં પ્રવાસીઓ આઇસ હોકી સાથે સાથે આઇસ સ્કેટિંગનો પણ આનંદ લઈ શકશે. જે શિયાળાની રમતગમતને પ્રોત્સાહિત કરશે. આ હોકી સ્ટેડિયમ અને રિંકની બનાવવાની કામગીરીનાં નિરિક્ષણ માટે જાન્યુઆરી 2020ના છેલ્લા આઠવાડિયામાં નેધરલેન્ડથી એક ટીમ ભારત આવશે. આ ટીમ એ દરમિયાન સ્ટેડિયમ માટે સ્થળ પસંદગી સાથે સાથે સ્ટેડિયમનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરશે.