કાનપુર: જય બાજપાઇની કાનપુર પોલીસે અટકાયત કરતા તેની પાસેથી પૂછપરછમાં અનેક મહત્વની જાણકારી પ્રાપ્ત થઇ છે. નજીરાબાદ પોલીસે જય બાજપાઇ અને તેના અન્ય એક સાથી પ્રશાંતની અટકાયત કરી તેને ચૌબેપુર પોલીસને સોંપી દીધો હતો ત્યારબાદ તેને ત્યાંની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને ફરી જેલભેગો કરી દેવામાં આવ્યો છે.
જય અને ડબ્બુ ઉર્ફ પ્રશાંતે 2 જુલાઇએ વિકાસ દૂબેને 2 લાખ રૂપિયા તથા 25 કારતૂસ પહોંચાડવામાં મદદ કરી હતી. આ કારતૂસો વડે જ 2 જુલાઇની રાત્રિએ કાનપુરના પોલીસ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી.
ઘટનાના બે દિવસ બાદ 4 જુલાઇએ જયે વિકાસ અને તેની ગેંગને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા પોતાની 3 લક્ઝરી ગાડીઓ મોકલી હતી પરંતુ પોલીસની સક્રિયતા જોઇને તે આગળ વધ્યો ન હતો.
જય બાજપાઇ અને પ્રશાંત પર કલમ 120 બી અને CLA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ આ હત્યાકાંડમાં જેટલા આરોપીઓ પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે જ આરોપ તેમના પર પણ લગાવવામાં આવ્યા છે.