પંજાબની ગુરુદાસપુર સીટ પરથી ભાજપમાંથી ચૂંટાયેલા સ્ટાર સન્ની દેઓલ હવે સંસદમાં પહોંચી ગયા છે. અનેક સુપરહીટ અને દેશભક્તિની ફિલ્મો કર્યા બાદ રાજકારણમાં એન્ટ્રી મારી હવે દેશ સેવા કરશે.
ભોજપુરી ફિલ્મોના જાણીતો ચહેરો રવિ કિશન આ વખતે યુપીની ગોરખપુર સીટ પર ચૂંટણી જીત્યા છે. આ સીટ પર અગાઉ યોગી આદિત્યનાથ ચૂંટણી લડતા હતાં. આદિત્યનાથના મુખ્યપ્રધાન બન્યા બાદ આ સીટ સપાના ખાતામાં જતી રહી હતી પણ સમય રહેતા રવિ કિશને આ સીટને ભાજપના ખાતા લાવી આપી છે.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી જીત નોંધાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવી તેમણે કોંગ્રેસના આ ગઢ પર કબ્જો જમાવ્યો છે. ગત વખતે પણ તેઓ અહીં આ જ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતાં.
બંગાળી કલાકાર નુસરતા જહાં બસીરહાટમાંથી ચૂંટણી જીતી સાંસદ બન્યા છે. તેમણે ટીએમસીની ટિકીટ પર ચૂંટણી લડી સંસદમાં પહોંચ્યા છે. તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયા હતાં.
સંસદની બહાર ખેંચવામાં આવેલી તેમની તસ્વીરના કારણે ખાસ્સા ચર્ચામાં આવેલા બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તીએ જાદવપુર સીટ પરથી ચૂંટણી લડ્યા હતાં. ટીએમસીની સીટ પરથી ચૂંટણી લડી તેઓ સંસદ પહોંચ્યા છે.
ડ્રીમ ગર્લના નામથી પ્રખ્યાત હેમા માલિની મથુરાથી ફરી વાર સાંસદ બન્યા છે. આ અગાઉ પણ તેઓ રાજ્યસભામાં સાંસદ રહી ચૂક્યા છે.
આ શ્રેણીમાં જોઈએ તો બંગાળી અને હિંદી સિંગર બાબુલ સુપ્રિયોએ પણ ફરી એક વાર સંસદમાં પહોચ્યા છે.તેઓ બીજી વાર કેન્દ્રીય સત્તામાં પ્રધાન પદ શોભાવશે. પ.બંગાળમાં આસનસોલ સીટ પરથી ભાજપમાંથી લડ્યા હતાં અને જીત નોંધાવી છે.
બોલીવુડ કલાકાર અને અનુપમ ખેરની પત્નિ કિરણ ખેર કંઈ નાનું નામ નથી. તેમણે ચંડીગઢમાંથી કોંગ્રેસના પવન બંસલને હરાવી જીત નોંધાવી છે. પહેલી નહીં પણ બીજી વાર તેમણે જીત નોંધાવી છે.
દિલ્લી પ્રદેશમાં ભાજપની કમાન સંભાળનારા મનોજ તિવારીએ ફરી એક વાર જીત નોંધાવી છે. તેમણે નોર્થ ઈસ્ટ દિલ્લીમાંથી જીત નોંધાવી સંસદમાં પહોંચ્યા છે.
આમ આદમી પાર્ટીમાંથી એક માત્ર સાંસદ ભગવંત માન ચૂંટણી જીત્યા છે. સંગરૂર સીટ પર તેઓ બીજી વાર સંસદ પહોંચ્યા છે. તેઓ પંજાબી ફિલ્મો તથા હિંદી ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે કવિતાઓ માટે પણ ખાસ જાણીતા છે.
બંગાળી સિનેમામાં સુપરસ્ટાર દેવ અધિકારી તૃણમૂલ કોંગ્રેસની ટિકીટ પરથી ઘટલ સીટ પરથી જીત્યા છે. આ તેમની લોકસભામાં બીજી ઈનિગ્સ છે. તો અભિનેત્રી શતાબ્દી રોય પણ ફરી એક વાર લોકસભામાં પહોંચ્યા છે. તેઓ ટીએમસીમાંથી વીરભૂમિ સીટ પરથી સંસદ પહોંચ્યા છે.