આ વાતચીત દરમિયાન ડૉ. મુંગેકરે કહ્યુ હતું કે, અમુક બાબતે બંને વચ્ચે મતભેદો ચોક્કસ હતા. જેમ કે, સમાજ રચના, અર્થવ્યવસ્થા, સામાજીક પરિપ્રેક્ષ્ય જેવી બાબતોમાં. પરંતુ કેટલાક મુદ્દાઓ એવા પણ છે. જેમાં બંનેના મતો એક જ હોય તેની ઉપર પણ ભાર મુકવાની જરુર છે.
જાતિ વ્યવસ્થા અંગે ડૉ. આંબેડકરના વિચારો તાર્કિક અને વૈજ્ઞાનિક હતા. જ્યારે ગાંધીજીનો મત કરુણાપૂર્ણ હતો. પરંતુ 'જાતિનિર્મૂલન' ઉપર આંબેડકરનું ભાષણ સાંભળ્યા પછી ગાંધીજીનો મત બદલાયો હતો. બંનેના મત આમ તો આ મુદ્દે ઉદાર હતા, પરંતુ આંબેડકરના દબાણને કારણે ગાંધીજી જાતિવ્યવસ્થાની પ્રણાલી પ્રત્યે વધુ તર્કસંગત, સ્પષ્ટ અને વ્યવહારિક બન્યા.
આંબેડકર અને ગાંધી બંનેમાં ધાર્મિક સહનશીલતા હતી. રાષ્ટ્રીય એકતા માટે કોમવાદ અને કટ્ટર રાષ્ટ્રવાદ એ સૌથી મોટો પડકાર છે. બંને ઈચ્છતા હતા કે ભારતની 'મિશ્રિત સંસ્કૃતિ' ભારતીય બંધારણનો ભાગ બને.
ડૉ. મુંગેકરે અલગ મતાધિકાર અંગે ગાંધી અને આંબેડકરના મતો અંગે કહ્યું હતું કે, આંબેડકરની દલીલો તર્કસંગત હતી. જો મુસ્લિમો, શીખ પાસે અલગ મતાધિકાર હોય તો અનુસુચિત જાતિ પાસે કેમ નહીં? ગાંધી સંયુક્ત મતદારો અને અનામત બેઠકોના પક્ષમાં માનતા હતા. આંબેડકરે દલીલ કરી હતી કે, જો અનુસુચિત જાતિ-જનજાતિ હિન્દુ સમાજનો ભાગ છે, તો હિન્દુઓને ઉપલબ્ધ તમામ સુવિધાઓ પણ તેમને આપવી જોઈએ.
આ ઉપરાંત ડૉ. મુંગેકરે સામાજિક ઉત્થાન, સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ગાંધી અને આંબેડકરના વિચારોને ઈટીવી ભારતના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ ગાંધીજીની 150મીં જન્મજયંતી હોવાથી શ્રંદ્વાજલી પાઠવી હતી.