બંગાળમાં ડૉક્ટર્સની હડતાલ સતત પાંચમાં દિવસે પણ યથાવત્ છે. તેની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. જો કે, મમતા બેનર્જીએ ડૉક્ટર્સને બેઠકની ઓફર કરી હતી. પરંતુ ડૉક્ટર્સ આ મુદ્દે રાજી થયા નહોતા. ત્યારબાદ હવે 'દીદી'એ ડૉક્ટર્સને કામ પર પરત ફરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ડૉક્ટર્સની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. પત્રકાર પરિષદ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, આ ઘટનામાં રાજ્ય મહત્વના પગલા લેવા માટે પ્રતિબદ્ઘ છે. રાજ્યની ખાનગી હોસ્પિટલમાં જોડાયેલા તમામ જૂનિયર ડૉક્ટર્સના ચિકિત્સા ઉપચારના તમામ ખર્ચા ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર વહેલી તકે સામાન્ય ચિકિત્સા સેવા ફરીથી શરૂ કરવાની દિશામાં કામ કરવા માટે પ્રતિબદ્ઘ છે. 10 જૂનની ઘટનાને વખોળતા તેમણે કહ્યું કે, અમે આ ઘટનાના સમાધાન સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન તેમણે હડતાલમાં જોડાયેલા તમામ તબીબોને કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી. બીજીતરફ દિલ્હીના AAIMS હોસ્પિટલના હડતાલ કરી રહેલા ડૉક્ટર્સે મમતા બેનર્જીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે, 48 કલાકમાં તેમની માંગણીઓ ન સ્વીકારવામાં આવી તો રવિવારે 14 હોસ્પિટલોની OPD અને રૂટીન સર્જરી બંધ કરવામાં આવશે. ઉપરાંત મુખ્યપ્રધાન પાસે માફી માંગવા પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હડતાલ કરી રહેલા ડૉક્ટર્સે મમતા બેનર્જીની ઓફરનો અસ્વીકાર કર્યો હતો. મમતા બેનર્જીએ હડતાલ કરી રહેલા ડૉક્ટર્સને મિંટીગ માટે આમંત્રિત કર્યા હતા. જેનો અસ્વીકાર કરતા ડૉક્ટર્સે કહ્યું કે, મુખ્યપ્રધાને પહેલા માફી માંગવી પડશે. મમતા બેનર્જીએ આજે રાજ્ય સચિવાલયમાં જૂનિયર ડૉક્ટર્સને બેઠકની ઓફર કરી હતી, જેનો અસ્વીકાર કરતા ડૉક્ટર્સ મુખ્યપ્રધાન માફી માંગે તે વાત પર અડગ છે.