સુરત : વેસુ વિસ્તારમાં એક બાઈક પર છ જેટલા યુવાનો સવાર થઈ બાઈક ચલાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે અલથાણ પોલીસે બે યુવકોની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ વિડીયોમાં શું છે ? આ અંગે મળતી વિગત અનુસાર બે દિવસ પહેલા વેસુ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક બાઈક પર છ જેટલા છોકરાઓ સવાર થઈને જઈ રહ્યા હતા. જે વીડિયોમાં છોકરાઓ દ્વારા મોટર વ્હીકલ એક્ટ મુજબના નિયમોનો ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. જે મામલે અલથાણ પોલીસ દ્વારા ચાર બાળકીશોરો સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ B.N.S કલમ 281 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી : આ બાબતે અલથાણ PI એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આજના ટેકનોલોજીના દુનિયામાં લોકો ફેમસ થવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પસંદ કરે છે. કેટલાક લોકો સારી રીતે વિડીયો બનાવીને અપલોડ કરીને ફેમસ થઈ રહ્યા છે. ત્યારે કેટલાક લોકો જીવના જોખમે અથવા પછી કાયદા કાનૂનના નિયમોને હાથમાં લઈને વિડીયો બનાવી ફેમસ થઈ રહ્યા છે.
ચાર બાળકીશોર સહિત 6 ની અટકાયત : અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેસુ વીઆઈપી સર્કલ પાસે બે દિવસ પહેલા ચાર બાળકીશોરો સહિત કુલ 6 લોકો એક જ બાઈક પર સવારી કરતા હોય તેવો તેમના દ્વારા જ વિડીયો બનાવવામાં આવ્યો હતો. તેઓ દ્વારા જ આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા બાળકિશોરો સહિત 6 લોકોની અટકાયત કરી અને તેમની પાસે માફી મંગાવી તેમના વાલીઓને પણ આ બાબતે જાણ કરી હતી.