હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની, હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ પર હુમલો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે રાત્રે ગાંધી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત બાદ પરિવારે હંગામો મચાવ્યો હતો અને ખુરશી ફેંકી બે ડોકટરો પર હુમલો કર્યો હતો.
ડૉક્ટરે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દી સીપીએપી મશીન દ્વારા શ્વાસ લઈ રહ્યો હતો અને તેને ન હટાવવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ દર્દીએ શૌચાલય જવા માટે શ્વાસનો માસ્ક હટાવી લીધો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. દર્દીના મોત બાદ પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેણે ફરજ પરના બે તબીબો પર હુમલો કર્યો હતો.
બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીને કસ્ટડીમાં લીધા હતા. આ ઘટના બાદ ગાંધી હોસ્પિટલના જુનિયર ડૉક્ટર્સે હોસ્પિટલની બહાર વિરોધ દર્શાવ્યો હતો અને તેલંગાણા સરકારને કોરોના વોર્ડમાં તૈનાત ડૉક્ટરની સુરક્ષા માટે વિશેષ સુરક્ષાદળ બનાવવાની માંગ કરી હતી.