રેનિટિડાઇન દવા પર હજી પ્રતિબંધ નથી મૂકાયો, પણ દવા કંપનીઓને તેનું ઉત્પાદન અને વિતરણ અટકાવી દેવા માટે જણાવામાં આવ્યું છે. આ દવા લેવાના કારણે આરોગ્યને કેવું નુકસાન થઈ શકે છે. તેની જાણ જનતાને કરવામાં આવી છે. અમેરિકાના આ નિર્ણય પછી ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI) દ્વારા પણ આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તેમ માનવામાં આવે છે.
ઝેન્ટેક બ્રાન્ડ નેમ હેઠળ વેચાતી રેનિટિડાઇનની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં નિટ્રોસો ડાયમેથિલેમાઇન (ટૂંકમાં NMDA) મળી આવ્યું છે, જે કેન્સરકારક દ્વવ્ય મનવામાં આવે છે. આ શોધને કારણે તે ના લેવા સલાહ અપાવામાં આવી છે. તેમાં કેન્સરકારક દ્રવ્યના અંશો મળ્યાની શંકાના આધારે દોઢેક વર્ષ પહેલાં FDA દ્વારા તેનો પુરવઠો નિયંત્રિત કરી દેવાયો હતો.
બાદમાં એમ કહીને થોડી છૂટ અપાઈ હતી કે દવામાં NMDAનું પ્રમાણ સ્વીકાર્ય માત્રામાં છે. પરંતુ હવે અલગથી નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલા પ્રયોગોમાં જોવા મળ્યું છે કે દવામાં સમય પસાર થાય તેમ તેમાંનું NMDAનું પ્રમાણ વધતું જાય છે. દવા કેટલો સમય પહેલાં બની હશે તે નક્કી કરવાનું મુશ્કેલ હોવાથી તેનો વપરાશ જ બંધ કરી દેવો યોગ્ય છે એમ FDAએ જણાવ્યું છે. તેથી દવા કંપનીઓને વિતરણ બંધ કરવા જણાવાયું છે.
દુનિયાભરની દવા નિયંત્રક સંસ્થાઓ મોટા ભાગે FDAના પગલે ચાલતા હોય છે. દેશની દવા કંપનીઓ પણ હવે DCGI રેનિટિડાઇન વિશે શું નિર્ણય લે છે તેની રાહમાં છે. ભૂતકાળમાં આ દવામાં કેન્સરકારક દ્રવ્ય હોવાનું બહાર આવ્યું હતું ત્યારે DGCIએ દેશની દવા કંપનીઓને તેમની તપાસનું તારણ આપવા જણાવ્યું હતું.
ભારતની કંપનીઓ હાલમાં રેનિડિડાઇનની નિકાસ પણ કરી રહી છે, ખાસ કરીને અમેરિકામાં. બેંગાલુરુની સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ રેનિટિડાઇનની સૌથી મોટી ઉત્પાદક અને નિકાસકાર કંપની છે. કંપની અમેરિકામાં પાંચ દવાઓની નિકાસ કરે છે તેમાંની એક રેનિટિડાઇન છે.
કંપનીએ જણાવ્યું છે કે FDAના આદેશ પ્રમાણે દવાનું ઉત્પાદન અટકાવી દેવામાં આવશે. આ નાણાંકીય વર્ષના 9 મહિના દરમિયાન સ્ટ્રાઇડ્સ ફારમાએ અમેરિકામાં 1,350 કરોડ રૂપિયાના મૂલ્યની દવાઓ વેચી હતી. રેનિટિડાઇન પર પ્રતિબંધને કારણે કંપનીના કામકાજ પર અસર પડી શકે છે. બીજા દવા કંપનીઓને પણ તેની અસર થઈ શકે છે. જોકે સ્ટ્રાઇડ્સ ફાર્મા બીજી દવાઓના વેચાણ દ્વારા નુકસાન ઘટાડવા કોશિશ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમણે ANDAને 123 દવાઓ માટે અરજી કરી છે, તેમાંથી 85 માટે મંજૂરી પણ મળી ગઈ છે.
રેનિટિડાઇનના વિકલ્પ તરીકે FDA દ્વારા Famotidine (Pepcid), Cimetidine (Tagamet), Esomeprazole (Nexium), Lansoprazole (Prevacid) અને Omeprazole (Prilosec)ની ભલામણ કરી છે. આ દવાઓમાં NMDA ના હોવાનું જણાવાયું હતું