બેંગલુરૂઃ કોરોનાનું સંકટ સમગ્ર ભારતને ઘેરી વળ્યું છે, ત્યારે રાજ્ય સરકારો કામદારોના અધિકારો છીનવી લેતાં નિયમો લાવી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ ઘણા બધા શ્રમ કાયદાઓને કોરાણે મૂકી દેવાની જાહેરાત કરી છે.
કામદાર કાયદાઓમાં આ “સુધારાઓ” મૂડીરોકાણને આકર્ષવા માટે છે. તે માટે લઘુમત વેતન, છુટ્ટા કરવાના નિયમો, સલામતીના ધોરણો અને કામની સ્થિતિ સહિતના જુદાજુદા અધિકારો કામદારોને મળે છે તેને જતા કરવા માટેની છુટ કારખાના, એકમો અને વેપારી સંસ્થાઓને આપવામાં આવ્યા છે.
કોરોના સંકટ વચ્ચે શ્રમ કાનૂનમાં સુધારા
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડે પણ શ્રમ કાયદામાં કેટલીક ઢીલ મૂકવાની જાહેરાતો કરી છે. કામના વધારે કલાકો માટેની છૂટ ઉદ્યોગોને આપવામાં આવી છે. બીજા રાજ્યો પણ તેવું કરી શકે છે.
શ્રમ કાનૂનોમાં સૌથી વધુ સુધારા ઉત્તર પ્રદેશની ભાજપની યોગી સરકારે કર્યા છે. સરકારે ઉત્તર પ્રદેશ ટેમ્પરરી એક્ઝમ્પશન ફૉર સર્ટેન લેબર લૉઝ ઓર્ડિનન્સ, 2020 દાખલ કર્યો છે. ત્રણ વર્ષ સુધી રાજ્યમાં મોટા ભાગના કામદાર કાયદાઓ તેના કારણે નકામા બની જશે. માત્ર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ, 1996. વર્કમેન કૉમ્પેનસેશન એક્ટ, 1923, બોન્ડેડ લેબર સિસ્ટમ (એબોલિશન) એક્ટ, 1976 અને પેમેન્ટ ઑફ વેજીસ એક્ટની કલમ 4ને જ ચાલુ રાખવામાં આવ્યા છે.
મિનિમમ વેજીસ એક્ટ, 1948, ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, ફેક્ટરીઝ એક્ટ 1948 અને કામદારોના કલ્યાણ માટેના બીજા 30 જેટલા અગત્યના કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશની સરકારનું જોઈને મધ્ય પ્રદેશ અને ગુજરાતની ભાજપ સરકારે પણ મહત્ત્વના કામદાર કાયદાઓને બાજુએ મૂકી દીધા છે. કાયદાઓને પડતા મૂકી દેવાના કારણે ઉદ્યોગો હવે ફાવે તેને છુટ્ટા કરી શકશે અને કામે રાખી શકશે, સલામતી અને આરોગ્યના નિયમોમાંથી મુક્તિ મળી જશે, અને કામદારો પાસે વધારે કલાકો કામ કરાવી શકાશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ પણ કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાકના કરવાની છૂટ આપી દીધી છે. જોકે તે માટે ઓવરટાઇમ ગણીને કામદારોને વળતર આપવાનું રહેશે.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તો મજૂર કાયદાઓ પડતા જ મૂકી દેવાયા તેના કારણે કામદાર સંઘો, સામાજિક કાર્યકરો અને વિપક્ષોમાં ભારે નારાજી છે. સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)એ આ પગલાંને “ખરેખર સમૃદ્ધિ પેદા કરી રહેલા શ્રમિકોને ગુલામ બનાવી દેવા માટેની ક્રૂર રસમ ગણાવી છે”. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના સંકટનું Congress leader Rahul Gandhi stated that the corona virus crisis “બહાનું કાઢીને માનવ અધિકારોનો ભંગ ના કરી શકાય, કામદારો માટે બિનસલામત એકમો ચલાવી ના લેવાય, મજૂરોનું શૌષણ કરી ના શકાય કે તેમના અવાજને દબાવી ના શકાય”. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય મઝદૂર સંઘે પણ આ પગલાંની ટીકા કરી છે.
કામદાર કાયદાઓ પડતા મૂકવાની રાજ્ય સરકારોની આ રીતને કારણે ગંભીર બંધારણીય અને કાનૂની મામલો ઊભો થાય છે. શ્રમ બંધારણના સાતમા અનુચ્છેદ હેઠળ રાજ્યો અને કેન્દ્રની સંયુક્ત યાદીમાં આવે છે. તેથી કેન્દ્ર અને રાજ્યો બંને તે અંગેના કાયદા બનાવી શકે છે. હાલમાં શ્રમ અંગેના 44 જેટલા કેન્દ્રીય કાયદાઓ છે, જ્યારે 100થી વધુ રાજ્યોના કાયદાઓ છે. રાજ્ય સરકારો કેન્દ્રના કાયદાની જોગવાઈઓમાં પણ ફેરફાર પસાર કરાવી શકે છે.
જોકે બંધારણની કલમ 254(2) હેઠળ રાજ્ય સરકારની કોઈ જોગવાઈ કેન્દ્રની જોગવાઈથી વિરુદ્ધ હોય તો તે માટે રાષ્ટ્રપતિની અનુમતિની જરૂર પડે છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે બંધારણની કલમ 213નો ઉપયોગ કરીને વટહુકમો બહાર પાડ્યા છે. આ કલમ હેઠળ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા મળે છે. રાજ્યની વિધાનસભાનું ગૃહ ચાલતું ના હોય ત્યારે તાકિદની સ્થિતિમાં આવી રીતે વટહુકમની સત્તા રાજ્યપાલને મળેલી છે.
કામદાર કાયદાઓને પડતા મૂકાયા તેના કારણે કેન્દ્રના કાયદાની જોગવાઈઓનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. તેનો અર્થ થયો કે રાષ્ટ્રપતિની અનુમતિ લેવી જરૂરી છે. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની સલાહ મુજબ કામ કરવાનું હોય છે. તેથી હવે આખરી નિર્ણય લેવાની જવાબદારી મોદી સરકાર પર આવશે. મોદી સરકારે નક્કી કરવાનું છે કે શ્રમ કાયદાઓને પડતા મૂકવા માટેની રાજ્ય સરકારોની નીતિને અનુમોદન આપવું કે નહિ.
આ વટહુકમો ભારતીય શ્રમ કાયદાઓને તદ્દન પડતા મૂકી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપતા પહેલાં વિચાર કરવો પડે. પરંતુ બંને રાજ્યોની સરકારો પણ ભાજપની જ છે, તેના કારણે હવે કેન્દ્રની ભાજપની સરકાર પણ યુપી અને એમપીના કામદાર વિરોધી પગલાંને માન્ય રાખે છે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે.
રાષ્ટ્રપતિ અનુમતિ આપે તો પણ આ વટહુકમોને અદાલતમાં પડકારી શકાય છે. આ રીતે બધા જ શ્રમ કાયદાઓને કોરાણે મૂકી દેવાની વાત દેખીતી રીતે જ ગેરબંધારણીય છે, કેમ કે તેનાથી કામદારોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.
ભારતીય બંધારણની કલમ 23 દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપે છે કે જેથી તેમની પાસે પરાણે વેઠ ના કરાવી શકાય. આ “બળજબરીથી શ્રમ” કરાવવાની વાતને માત્ર વેઠ પુરતી સિમિત ના રાખીને સુપ્રીમ કોર્ટે વધારે વ્યાપક રીતે તેની વ્યાખ્યા કરેલી છે.
પિપલ્સ યુનિયન ફૉર ડેમોક્રેટિક રાઇટ્સ વિરુદ્ધ ભારત સરકાર (1982)ના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે “જ્યારે કોઈ વ્યક્તિ અન્યને વળતરના બદલામાં શ્રમની સેવા લઘુમત વેતનથી ઓછી રકમમાં આપે ત્યારે તે સ્પષ્ટપણે “ફોર્સ્ડ લેબર”ની વ્યાખ્યામાં કલમ 23 હેઠળ આવે છે.
તેથી રાજ્ય સરકારો શ્રમ કાયદાઓને રદ કરી નાખે, ખાસ કરીને મિનિમમ વેજીસ એક્ટ, 1948ને ત્યારે તે મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. સાથે જ તે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના કન્વેન્શન નંબર 144નો પણ ભંગ કરે છે. ભારતે તે કન્વેન્શન પર સહી કરેલી છે. આવા સંકટના સમયે કામદારોના હકો છીનવી લેવાની વાત માત્ર કાયદાકીય રીતે ભૂલભરેલી છે એટલું જ નહિ, પણ નૈતિક રીતે નિંદનીય છે.
કામદાર સલામતીના માટેના નિયમો, ટોઇલેટની સુવિધાઓ, સુરક્ષાના ઉપકરણો વગેરેના નિયમો જતા કરી દેવાથી મજૂરોના માથે જોખમ ઊભું થાય છે. ભારતના શ્રમ કાયદાઓમાં આમ પણ પાયામાં જ કેટલીક મર્યાદાઓ છે અને તેના કારણે આજેય દેશનો 90 ટકા મજૂર વર્ગ બિનસંગઠિત ક્ષેત્રમાં જ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારો કાયદા પડતા મૂકે તે “સુધારા” નથી, પરંતુ કામદારોને વધારે ખરાબ સ્થિતિમાં મૂકનારા પગલાં છે.