- પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપઘોષે ટીએમસીને આપી ચેતવણી
- દીદીના ભાઈઓ ઝડપથી સુધરી જાઓ નહીં તો સ્મશાન જવું પડશેઃ ઘોષ
- બિહારમાં ગુંડા રાજ ભાજપ સરકારે જ ખતમ કર્યુંઃ દિલીપ ઘોષ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીના સમર્થકોને વિવાદાસ્પદ ચેતવણી આપી હતી. તેમણે તૃણમુલ કોંગ્રેસને ધમકી આપતા કહ્યું, દીદીના ભાઈઓ નહીં સુધરે તો હાથ પગ તૂટી જશે અને સ્મશાને જવું પડશે. દિલીપ ઘોષે રેલીમાં કહ્યું, દીદીના ભાઈઓએ આગામી છ મહિનામાં પોતાની આદતો બદલી નાખવી જોઈએ નહીં તો હાથ, પગ, હાડકાં તૂટી જશે અને હોસ્પિટલની યાત્રા કરવી પડશે. અને આનાથી વધારે થશે તો સ્મશાને પણ જવું પડશે. જોકે દિલીપ ઘોષની આ ટિપ્પણી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની બંગાળ યાત્રાના બે દિવસ બાદ સામે આવી છે. અમિત શાહે રાજ્યની 294 સીટમાંથી 200 સીટ ભાજપના નામે થવાની મહત્ત્વાકાંક્ષા રાખી છે. ઘોષ અને બંગાળ ભાજપના અન્ય નેતાઓ દિલ્હી જઈને પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે પણ વાતચીત કરે તેવી સંભાવના છે.
બિહારમાં અમે ગુંડાઓને બહાર ધકેલી દીધાઃ દિલીપ ઘોષ
ઘોષે વધુમાં કહ્યું, કેન્દ્રિય બળ રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરશે. જ્યારે બિહારમાં લાલૂરાજ હતું. ત્યારે જંગલ રાજ હતું. હિંસાની રોજ રોજ વાત થતી હતી, પરંતુ અમે ગુંડાઓને બહાર તગેડી દીધા હતા. આના ભાજપનું રાજ કહેવાય છે. અમે જંગલ રાજને લોકતંત્રમાં બદલી નાખ્યું. અમે પશ્ચિમ બંગાળમાં પણ લોકતંત્રને લાગુ કરવાના છીએ.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ અને ભાજપ વચ્ચે દુશ્મની વધી
તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીને દીદીના નામે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ અને ભાજપ વચ્ચે દુશ્મની વધી રહી છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. બંને પક્ષે એકબીજા સાથે રાજકીય હિંસા અને એક બીજાના સમર્થકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.