શ્રીનગરઃ 5 ઓગસ્ટ, 2019ના રોજ NDA સરકાર દ્વારા આર્ટિકલ 370 અને 35-A હટાવીને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરની 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપના કરવામાં આવી છે. પરંતુ આ પગલાંને કારણે આર્થિક વિકાસને લગતી સમસ્યાઓ પેદા થઈ રહી છે.
આર્ટિકલ રદ કરતા પહેલા જમ્મુ અને કાશ્મીરનો વિકાસ સૂચકઆંક - જીવન આયુથી લઈને શિશુ મૃત્યુદર, સાક્ષરતા અને ગરીબી, આર્થિક વિકાસ સુધીની રાષ્ટ્રીય સરેરાશ અને ભારતના અન્ય ઘણા ટોચના રાજ્યો કરતા ઘણો સારો હતો.
આ ક્ષેત્રમાં ફક્ત પ્રાઈવેટાઈઝેશનનો અભાવ હતો. પરંતુ ઘણાં નિષ્ણાતો માને છે કે, તેનું કારણ આર્ટિકલ 370 નથી. પરંતુ દાયકાથી ચાલી આવેલી અનિશ્ચિત રાજકીય અને સુરક્ષાની સ્થિતિ કારણભૂત હતી.
જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પક્ષો દ્વારા ભાજપ સરકારના એકપક્ષીય નિર્ણયનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પછી, વિરોધ પક્ષો ભાજપને આર્ટિકલ 370 રદ કરવાના બચાવમાં કરેલા વિકાસના ખોટા વચન અંગે સવાલ કરી રહ્યાં છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, જે હજુ પણ વિશેષ દરજ્જાની પુનઃસ્થાપનાની માગ કરે છે અને જમ્મુ-કાશ્મીરના 5 ઓગસ્ટ પહેલાના દરજ્જાની માગ કરે છે. તેમણે કહ્યું કે, કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને RSSનો એજન્ડા પૂરો થયો છે, પરંતુ કોઈ વિકાસ થયો નથી
શ્રીનગરમાં પીડીપી નેતા રૌફ દારએ ઇટીવી ભારતને કહ્યું કે, 'આર્ટિકલ 370ને નાબૂદ કર્યા બાદ ફક્ત ભાજપ અને RSSને જ ફાયદો થયો છે. બેકારી વધી છે. આર્થિક હાલાત વધારે ગંભીર બન્યા છે. જમ્મુ કાશ્મીરના હાલાત પહેલા કરતાં પણ વધારે ગંભીર અને ખરાબ થઈ ગયા છે.'
અર્થશાસ્ત્ર અને વિકાસ વિશ્લેષક એજાઝ અયૂબે જણાવ્યું હતું કે, '5 ઓગસ્ટ પછી લાદવામાં આવેલા બંધને કારણે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. જે COVID-19 અને લોકડાઉનને કારણે વધુ વણસી છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને 40-45 હજાર કરોડનું નુકસાન થયું છે, જેના કારણે બેરોજગારી વધી છે. જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી મુજબનો બેરોજગારી દર 22 ટકાથી વધુ થઈ ગયો છે. કોઈ રોકાણ પણ આવ્યું નથી. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ પ્રોગ્રામ પણ થયો નથી. રોકાણ માટે રાજકીય સ્થિરતા અને માળખાગત સુવિધાઓ હોવી જોઈએ. રાજકીય સ્થિરતા ન હોય ત્યાં સુધી આર્ટિકલ 370 રદ કરવાનો કોઈ ફાયદો નથી. આર્ટિકલ 370 રદ કરવાથી આર્થિક સ્થિરતા કે રોકાણ આવશે નહીં.'