હરિદ્વારઃ શ્રાવણ માસની આજથી શરુઆત થઇ છે, ત્યારે પહેલા સોમવારનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. શ્રાવણનો પુરો માસ ભગવાન શિવની આરાધનાનો માસ છે, તો શ્રાવણ માસમાં ભગવાન શિવ કનખલના દક્ષ મંદિરમાં એક મહિના માટે બિરાજમાન હોય છે. માન્યતા છે કે, શ્રાવણ માસમાં કૈલાશ પર્વતથી ભગવાન ભોળાનાથ પોતાના સાસરે હરિદ્વાર કનખલ આવે છે અને પુરો મહીનો અહીં રહીને શ્રદ્ધાળુઓના આશીર્વાદ લે છે. જે પૌરાણિક મંદિર હોવાની સાથે જ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.
મહત્વનું છે કે, આ વખતે કોરોનાને કારણે તમામ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે શ્રદ્ધાળુઓ ભગવાન શિવનો જળાભિષેક કરી શકશે. દક્ષ પ્રજાપતિ મંદિરના મહંત વિસવેશ્વર પૂરીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ભગવાન શિવનો અતિ પ્રિય છે. કનખલ દક્ષ પ્રજાપતિ મહાદેવનું સાસરું છે. આ દુનિયામાં સૌથી પહેલા ભગવાન શિવનું મંદિર છે. ભગવાન શંકરે રાજા દક્ષને વચન આપ્યું હતું કે, શ્રાવણનો એક મહીનો તે અહીં વાસ કરશે, આ માટે ભગવાન શંકર શ્રાવણમાં એક મહિના સુધી દક્ષ પ્રજાપતિ મંદિરમાં જ વાસ કરે છે.
શ્રાવણના પહેલા સોમવારે પહેલા વિશેષ આરતી ભગવાન શિવના સ્વાગત માટે કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની જટામાંથી ગંગા અવતરિત થઇ હતી. ભક્તોની દક્ષ પ્રજાપતિ મંદિરમાં બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવ હવે એક મહીના સુધી દક્ષ પ્રજાપતિથી જ સૃષ્ટિનું સંચાલન કરશે. માન્યતા છે કે, ભગવાન ભોળાનાથ શ્રાવણનો એક મહીનો દક્ષ મહાદેવ મંદિરમાં રહે છે. એ માટે પહેલા સોમવારની પૂર્વ સંધ્યાએ દક્ષ મંદિરમાં શિવની મહાઆરતી કરવામાં આવી છે.
દક્ષ પ્રજાપતિ મંદિરમાં હંમેશા ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે ભક્તોની લાંબી લાઇનો લાગે છે, પરંતુ આ વખતે કોરોનાને લીધે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે, તો સોશિયલ ડિસ્ટન્સથી મંદિરમાં શ્રદ્ધાળુ પ્રવેશ કરી શકશે. ભગવાન શિવનો જળાભિષેક પણ કરી શકશે.