નવી દિલ્હીઃ જામિયા હિંસા મામલે દિલ્હી પોલીસને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પરથી મળેલી વિગતો મુજબ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોના સહયોગ સાથે હિંસાની આ સમગ્ર ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો. ગતવર્ષે 13 તથા 15 ડિસેમ્બરે થયેલી હિંસામાં દિલ્હી પોલીસ પર પથ્થરો, લાકડીઓ, પેટ્રોલ બોમ્બ અને ટ્યૂબ લાઈટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 3 FIR દાખલ કરવામાં આવી હતી. આથી દિલ્હી પોલીસ પર લાગેલા હિંસાના આરોપો ખોટા છે તેમ પોલીસે જણાવ્યું હતું.
વિરોધ કરવો એ સૌનો હક છે. પરંતુ તેની આડમાં કાયદાનું ઉલ્લંઘન તેમજ હિંસા અને રમખાણોમાં ભાગ લેવો તે અયોગ્ય છે. યુનિવર્સિટી પરિસરમાં પરવાનગી વગર ઘુસી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહીનો આરોપ ખોટો છે. આ રમખાણોમાં દિલ્હી પોલીસને ઘણું નુકસાન થયું છે.
દિલ્હી પોલીસ દ્વારા જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી બેસાડી રાખવાના આરોપ પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. આ મામલે અર્જીકર્તા વકીલ નબિલા હસને જણાવ્યું હતું કે, અત્યારના કોરોના મહામારીના સમયમાં પણ પોલીસ વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે. હાલ તપાસ મહત્વપૂર્ણ વળાંક પર છે.