નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે પીએમ કેર્સ ફંડમાં મળેલા પૈસાની વિગતો આપવા માટે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગની અરજીની સુનાવણી કરવાનો હાલમાં ઇનકાર કરી દીધો છે.
મુખ્ય ન્યાયાધીશ ડી.એન.એ. પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, કર્ણાટક હાઈકોર્ટમાં આ મામલે પહેલેથી જ એક અરજી પેન્ડિંગ છે, તેથી અમને લાગતું નથી કે અમને અત્યારે સુનાવણી કરવાની જરૂર છે.
અરજીમાં માગ કરવામાં આવી છે કે, પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટીઓને તેની વેબસાઇટ પર મળેલા ભંડોળની વિગતો પ્રકાશિત કરવા દિશા નિર્દેશો આપવામાં આવે. અરજીમાં માહિતીના અધિકાર હેઠળ વડાપ્રધાનની કચેરીએથી મળેલા જવાબને આધાર બનાવવામાં આવ્યો હતો કે પીએમ કેર્સ ફંડ કોઈ જાહેર સત્તા નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ કેર્સ ફંડ માહિતીના અધિકાર હેઠળ ભલે જાહેર સત્તા ન હોય છતાં, જે લોકો તેમાં દાન આપી રહ્યા છે, તેઓને જાણવાનો અધિકાર છે કે તેઓના પૈસા ક્યાં જઇ રહ્યા છે.