નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને પગલે દિલ્હીમાં ભયજનક વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સોમવારે 1647 નવા કેસ સામે આવતા સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 42,829 થઈ ગઈ છે.
સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 73 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ 1400 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
તો બીજી તરફ દિલ્હીમાં કોરોનાથી લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 604 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તેમજ અત્યાર સુધીમાં 16,427 લોકોએ કોરોનાને માત આપી છે. કુલ 25,002 દર્દીઓ એક્ટિવ છે.
રાજ્યમાં કોરોના ના ગંભીર સંક્રમણને ધ્યાનમાં લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં આપ, ભાજપ તથા કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્ય સચિવ વિજય દેવ દ્વારા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી તેમજ ટેસ્ટ વિશે ચર્ચા પણ થઈ . કેન્દ્ર સરકાર દ્વારા બેઠકમાં જણાવવામાં આવ્યું કે 20 જૂનથી દિલ્હીમાં 18 હજાર ટેસ્ટ થશે તેમજ 450 રૂપિયામાં નિદાન કરી આપે તેવી ટેસ્ટ કીટ પણ ઉપલબ્ધ કરવામાં આવશે