હરિયાણા-મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પાર્ટીના આદેશ મુજબ દિલ્હી ભાજપ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે તેની શરૂઆત પંડિત પંત માર્ગ પરના પ્રદેશ ભાજપ કાર્યાલયમાં વિધાનસભા ચૂંટણી માટે અલગથી વૉર રૂમ બનાવવાની સાથે થશે.
બુધવારે ભૂમિપૂજન
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત માટેના સંકલ્પને સિદ્ધ કરવામાટે બુધવારે દિલ્હી પ્રદેશ કાર્યાલય ખાતે વિધાનસભા ચુંટણી કાર્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેની શરૂઆત હવનથી કરવામાં આવશે. પ્રદેશ કાર્યાલયમાંથી દિલ્હીની તમામ 70 બેઠકો પર સીધી નજર રહેશે. પ્રદેશ કાર્યાલયમાં આધુનિક રીતે કંટ્રોલ રૂમ, સોશિયલ મીડિયા અને મીડિયાનો વૉર રૂમ બનાવવામાં આવશે. પાર્ટી કાર્યાલયની અંદર વિવિધ વ્યવસ્થાઓ સાથે જોડાવા માટે અલગ-અલગ ઑફિસ અને મીટિંગ રૂમ બનાવવામાં આવશે.
ઘણા વરિષ્ઠ નેતા રહેશે હાજર
વિધાનસભા ચૂંટણી કાર્યાલયના ભૂમિ પૂજન દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ, દિલ્હી ચૂંટણી પ્રભારી હરદીપ સિંહ પુરી, પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી, સંગઠન મહામંત્રી સિદ્ધાર્થન સહિત તમામ પદાધિકારી અને કાર્યકર્તા હાજર રહેશે. વિધાનસભા ચૂંટણી કાર્યાલયના ભૂમિ પૂજનને લઇને મંગળવારે તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.