ન્યુ દિલ્હી: સૈનિક અને રણનીતિકાર નિષ્ણાતો માને છે કે તાજેતરનો ભારત-ચીનનો સીમા તણાવ નવા કૉરોના વાઇરસ સામે વૈશ્વિક યુદ્ધનો ફાયદો ઉઠાવવા તેમજ યુએસએમાં ઘરેલુ મુદ્દાઓનો લાભ લઈને સરહદે યથાવત્ પરિસ્થિતિ તેની તરફેણમાં બદલવા માટે કાળજીપૂર્વક ગણતરી કરીને બનાવાયેલું પગલું છે. આ એકદમ ચીનની લગભગ છ દાયકા પહેલાંની રણનીતિ અપાવે છે જ્યારે તેણે ક્યુબન મિસાઇલ કટોકટી જેણે બે મહાસત્તાને પરમાણુ યુદ્ધના આરે લાવી દીધા હતા, તેનો લાભ લઈને ૧૯૬૨ના શિયાળામાં ભારત પર હુમલો કર્યો હતો.
ક્યુબન કટોકટી ઘણા વખતથી ઉભરો લઈ રહી હતી તે 1962માં 16 ઑક્ટોબરે બે મહાસત્તા વચ્ચે પૂર્ણ કક્ષાની મડાગાંઠમાં વિસ્ફોટ પામી હતી. ચાર દિવસ પછી 20 ઑક્ટોબર 1962ના રોજ ચીને ભારત પર એવા સમયે હુમલો કર્યો હતો જ્યારે અમેરિકા અને ત્યારનું સોવિયેત સંઘ- એ બે મહાસત્તા- ક્યુબામાં સૉવિયેત મિસાઇલ તૈનાત કરવા પર અભૂતપૂર્વ કટોકટીમાં લાગેલા હતા અને તેઓ ભારત-ચીન યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાની સ્થિતિમાં નહોતા.
અમેરિકાના પ્રમુખ જૉન એફ. કેનેડીએ 22 ઑક્ટોબર 1962ના રોજ ક્યુબાને નૌકા દળથી ઘેરી લેવા આદેશ કર્યો હતો અને તેના સૈન્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી નવેમ્બર ૧૯૬૨માં એકતરફી રીતે યુદ્ધવિરામ જાહેર કર્યો હતો.
ચીનના પ્રમુખ ઝોઉ એનલાઈએ 19 ઑક્ટોબર 1962ના રોજ એકપક્ષીય રીતે યુદ્ધવિરામ જાહેર કર્યો હતો જે 21 નવેમ્બર 1962ના રોજ અમલમાં આવ્યો હતો જ્યારે અમેરિકાએ ક્યુબાને નૌકા દળ દ્વારા ઘેરો સત્તાવાર રીતે સમાપ્ત કર્યો હતો.
"સમય ખૂબ જ અગત્યનો છે. ઘૂસણખોરી અને મડાગાંઠ અને જાનહાનિ જે થઈ હતી, આ બધું માત્ર આકસ્મિક નથી અને તે સ્થાનિક બાબત પણ નથી." તેમ નવી દિલ્હી સ્થિત પૂર્વ રાજદ્વારી અને રાજદૂત વિષ્ણુ પ્રકાશે કહ્યું હતું જેઓ શાંઘાઈમાં ભારતના કૉન્સ્યુલ જનરલ હતા.
"તેના સ્તર, તેના સમય અને અન્ય અનેક પરિબળોનાં કારણે તે સ્પષ્ટ રીતે સારી રીતે સંકલિત પગલું છે. ખૂબ જ ઊંચા સ્તરેથી અનુમતિ વગર તે ચોક્કસ જ ન થયું હોત." તેમ રાજદૂત વિષ્ણુ પ્રકાશે ઈટીવી ભારતને કહ્યું હતું.
પૂર્વ રાજદૂત જે દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત અને કેનેડામાં ઉચ્ચ આયુક્ત હતા તેઓ એ બાબત દર્શાવે છે કે કૉવિડ-19 વૈશ્વિક રોગચાળો આ વર્ષની શરૂઆતમાં ફાટી નીકળ્યો ત્યારથી ચીને લગભગ તેના તમામ પડોશીની સરહદમાં અતિક્રમણ કર્યું છે.
ભારતીય સેનાના નૉર્ધન કમાન્ડના જીઓસી તરીકે લદ્દાખ ક્ષેત્રમાં ચીન સાથે દેશની સરહદ રક્ષવા માટે જવાબદાર હતા તેવા લૅફ્ટ. જનરલ (નિવૃત્ત) દીપેન્દ્રસિંહ હૂડા કહે છે કે જ્યારે કોઈ દેશ કંઈક યોજના બનાવે છે ત્યારે તે સમય તરફ જુએ છે અને ચીને કૉવિડ-19 કટોકટીને તકના સમય તરીકે જોઈ.
"જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈ યોજના બનાવે છે ત્યારે તે તેના સમયનો પણ વિચાર કરે છે અને જો તે ખૂબ જ મોટું નોંધપાત્ર કૃત્ય હોય તો તે ચોક્કસ જ શું ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ છે જેનો તે લાભ ઉઠાવી શકે છે તે તરફ જોશે." તેમ ડીએસ હૂડાએ ઇટીવી ભારતને કહ્યું હતું.
"તેમણે જોયું કે ભારત કોરોના વાઇરસ અને તેના આર્થિક મુદ્દાઓ સામે લડવામાં રોકાયેલું છે, આથી તેમણે વિચાર્યું હશે કે આ ખૂબ જ યોગ્ય સમય છે." તેમ જનરલ હૂડાએ ઉમેર્યું હતું.
એક વિદ્વાન અભ્યાસુ અને ભારતની અગ્રણી વિચારશીલ સંસ્થા ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ)માં પરમાણુ અને અવકાશ નીતિ પહેલનાં વડાં ડૉ. રાજેશ્વરી રાજગોપાલન કહે છે કે ચીન છેલ્લાં પાંચ-છ વર્ષમાં તેની સૈન્ય અને રણનીતિ ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે અને તે તેની પડોશમાં યથાવત્ સ્થિતિને બદલવાની તક શોધી રહ્યું છે.
"સ્પષ્ટ રીતે તેઓ તેની યોજના બનાવી રહ્યા હતા, તે રાતોરાત બનેલો ઘટનાક્રમ નથી." તેમ રાજેશ્વરી રાજગોપાલે ઈટીવી ભારતને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ચીન તેના ભૂમિ દળ (આર્મી) અને વાયુ સેનાની સંયુક્ત કવાયત હાથ ધરીને, ખાસ તો ઊંચાઈવાળા વિસ્તારોમાં તેની સેનાના સંચાલન અનુભવના અભાવનો હલ શોધવા પ્રયાસ કરી રહ્યું હતું.
"આપણે છેલ્લાં પાંચ-સાત વર્ષમાં તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર તેમજ ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પીએલએ કવાયતો જોઈ રહ્યા છીએ. આપણને જણાયું કે તેમની સંચાલન ક્ષમતાઓમાં કોઈ ક્ષતિ હોય તો તેને ઉકેલવા અને સંયુક્તપણું વધારવા, ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં, પીએલએ અને પીએલએ વાયુ સેના બંનેને સાંકળતા સૈન્ય અભ્યાસ વધાર્યો છે." ડૉ. રાજેશ્વરીએ નોંધ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ચીન આ વર્ષના જાન્યુઆરીથી તેના તમામ પડોશીઓ સાથે બાંયો ચડાવી રહ્યું છે અને ભારતને પણ તેણે બાકાત રાખ્યું નથી.
"સ્પષ્ટ રીતે તેઓ કેટલાક સમયથી તેની યોજના બનાવી રહ્યા હતા અને જ્યારે તેમણે જોયું કે વિશ્વ કોરોના વાઇરસ જે મૂળ ચીનમાં ઉદ્ભવ્યો તેની સામે લડવામાં લાગેલું છે ત્યારે તેને ખૂબ જ યોગ્ય સમય જણાયો."
સમસ્યા ગયા મહિનાની શરૂઆતમાં શરૂ થઈ જ્યારે પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં ચીન અને ભારતીય ભૂમિ દળના સૈનિકો વચ્ચે ઘર્ષણના વીડિયો સપાટી પર આવ્યા.
બંને દેશોએ પછી ભારે શસ્ત્રો લગાડ્યા અને વધુ દળો મોકલ્યા પરંતુ સાથે રાજદ્વારી માર્ગો અને સૈન્યના ટોચના કમાન્ડરો દ્વારા પરિસ્થિતિ હળવી કરવા પ્રયાસ કર્યા.
6 જૂને લૅફ્ટ જનરલ સ્તરની તેમના ટોચના કમાન્ડરો વચ્ચેની વાતચીતના પગલે, પ્રતીકાત્મક પગલામાં બંને દેશોએ તેમના દળો કેટલાક વિવાદિત વિસ્તારોમાં 2.5 કિલોમીટર પાછા હટાવી લીધા.તેના પછી સ્થાનિક સૈન્ય કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઈ.
જોકે સોમવારે રાત્રે ભારતીય સૈન્ય અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક સામનો આ વિશ્વાસ વર્ધક પગલાંઓ માટે ખૂબ જ આકરા આઘાત તરીકે આવ્યો. જ્યારે ભારતીય સૈન્યએ પુષ્ટિ કરી કે તેણે એક કર્નલ સહિત ૨૦ જવાનો ગુમાવ્યા છે ત્યારે ચીને તેની જાનહાનિની સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી.
મંગળવારે મોડી રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે ચીનને ગલવાન ઘાટી વિસ્તારમાં યથાવત્ પરિસ્થિતિ બદલવાનો આક્ષેપ કર્યો જે 6 જૂને વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો વચ્ચે સધાયેલી સર્વસંમતિનું ઉલ્લંઘન છે.
"ભારતીય પ્રદેશ હડપી જવાની ચીનની રણનીતિ અંગે લોકો વાતો કરી રહ્યા છે. બે પગલાં આગળ વધવું અને એક પગલું પાછળ જવું એ ચીનની ખૂબ જ જાણીતી રણનીતિ છે." તેમ વિષ્ણુ પ્રકાશે ચીનની રણનીત પર પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.
સંરક્ષણ કર્મચારી ગણના વડા, જનરલ બીપીન રાવત, જેઓ ડોકલામમાં વર્ષ 2017માં ચીન સામે મડાગાંઠ વખતે ભૂમિ દળ (સેના)ના વડા હતા, તેમણે પણ ચીનની ઘડીકમાં આગળ વધવું અને પછી પાછળ જવું તેવી ચીનની રણનીતિને ભારતીય પ્રાદેશિક અખંડતા સામે સૌથી મોટો પડકાર ગણાવી હતી.
"છૂપી રીતે વિસ્તરણવાદિતા આગળ વધારવી જે એવી બાબત છે જેમાં ચીન અગાઉ નિપુણ રહી ચૂક્યું છે." તેમ રાજદૂત વિષ્ણુ પ્રકાશે કહ્યું હતું. તેઓ કહે છે કે ચીને ચોક્કસ જ એક પ્રકારની રાજદ્વારી તરફ વળ્યું છે જ્યાં તે ખૂબ જ નિંદાત્મક અને ખૂબ જ આક્રમક છે.
"તે દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં અન્ય દેશો સાથે, ઑસ્ટ્રેલિયા સાથે અને અન્ય દેશો સાથે કઈ રીતે વર્ત્યું છે તે જુઓ." તેમ તેમણે ઇ ટીવી ભારતને કહ્યું હતું. રણનીતિ નિષ્ણાતો કહે છે કે ભારત જ એક માત્ર પડોશી દેશ નથી જેને તાજેતરના સમયમાં ચીનની વિસ્તરણવાદી નીતિના કારણે સહન કરવાનું થયું છે.
"તેઓ (ચીનનું નેતૃત્વ) માને છે કે તેઓ મોટા થઈ ગયા છે અને અમેરિકા નબળી સ્થિતિમાં છે. શી જિનપિંગ આવું જ કંઈક માને છે, આથી જ કંઈક અંશે વધુ પડતો આત્મવિશ્વાસ અને અહંકાર છે." તેમ ઓઆરએફના ડૉ. રાજેશ્વરી રાજગોપાલને નોંધ્યું હતું.
તેમણે જોકે ચેતવણી આપી હતી કે ચીનની નીતિઓ સામે પ્રતિકાર આવશે કારણકે તેણે તાઇવાન, વિયેતનામ, મલયેશિયા અને ઇન્ડોનેશિયાને આ વર્ષની શરૂઆતથી લક્ષ્ય બનાવ્યા છે.
"મને લાગે છે કે ચીનની ગુંડાગીરી સામે દરેક દેશ જાગી રહ્યો છે જેથી ચીનના દુઃસાહસ સામે વળતો જવાબ અપાઈ રહ્યો છે." તેમ તેમણે ઈ ટીવી ભારતને કહ્યું હતું.
-ક્રિષ્નાનંદ ત્રિપાઠી, ઇટીવી ભારત