ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી પુરી થઈ ચુકી છે. કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં કોર્ટ 16 ડિસેમ્બરના રોજ અંતિમ ચુકાદો સંભળાવશે. ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર અને શશિ સિંહ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જો કુલદીપ સિંહ સેંગર ગુનેગાર છે. તો તેમને જન્મટીપની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અત્યારે તિહાર જેલમાં કેદ છે અને કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે 2017માં એક સગીર વયની યુવતી પર દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઓગસ્ટ મહિનામાં આરોપ નક્કી કર્યા હતા.
શશી સિંહ પર આરોપ છે કે, તે પીડિતાને ધારાસભ્ય કુલદીપ સેંગર પાસે લઈને ગઈ હતી, જ્યાં કથિત રીતે કુલદીપ સેંગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યો હતો. આ મામલે FIR નોંધાઈ છે, જેમાં 16 ડિસેમ્બરે નિર્ણય આવી શકે છે. અન્ય ત્રણ મામલાઓમાં પણ સુનાવણી હાલ ચાલી રહી છે. આ મામલે બીજી FIR પીડિતા સાથે થયેલા ગેંગરેપને લઈને નોંધવામાં આવી છે. જ્યારે ત્રીજી FIR પીડિતાના પિતા સાથે મારામારી અને પછી પોલીસ કસ્ટડીમાં થયેલા તેના મોત સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે, આ પહેલાં 2 ડિસેમ્બરે કોર્ટે દુષ્કર્મના આ મામલામાં છેલ્લી દલીલો સાંભળવાની કાર્યવાહી સોમવારે શરૂ કરી હતી.