કોરોના વાઇરસ એક પછી એક દેશને જકડવા લાગ્યો છે ત્યારે કચરાની વ્યવસ્થાના નિયમોનું ઉલ્લંઘન પણ વધી રહ્યું છે. થોડાંક વર્ષો પહેલાં લખનઉ આઈઆઈએમના અભ્યાસની આઘાતજનક હકીકત કહે છે કે દેશભરની ૮૪,૦૦૦ હૉસ્પિટલોમાં કચરાના નિકાલના તેમના પોતાના માંડ બસ્સો પ્લાન્ટ જ છે. આ સંદર્ભમાં ત્યાર પછી કોઈ સુધારો થયો નથી તેમ પણ હકીકતો જાહેર કરે છે. મૈસૂર અને કોઇમ્બતૂરમાં કેરળથી કર્ણાટક ટ્રકોમાં લઈ જવાઈ રહેલ જૈવિક કચરાને સ્થાનિકોએ અટકાવી દેવાના સમાચાર પણ આવ્યા હતા. હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રક બૉર્ડે જીવ-તબીબી કચરા પર વર્ષ ૨૦૧૬ના નિયમોના ઉલ્લઘંન માટે ૨૨ ખાનગી હૉસ્પિટલોની ઝાટકણી કાઢી હતી. આવા જ આક્ષેપોના આધાર પર દિલ્હીમાં તાજેતરમાં ૪૮ તબીબી દવાખાનાં/હૉસ્પિટલોએ દંડ ચૂકવવો પડ્યો હતો. કેન્દ્રએ જેને આપત્તિ જાહેર કરી છે તે કોરોનાનો હુમલો જો વધશે તો હૉસ્પિટલોમાં જૈવિક કચરાની વ્યવસ્થા ગંભીર સમસ્યા બનશે. તેના નિવારણ માટે સરકારોએ ચુસ્ત રાષ્ટ્રીય રણનીતિ અને અસરકારક પગલાં માટે સક્રિય રીતે તૈયારી કરવાની જરૂર છે!
એવો અંદાજ છે કે ગ્રેટર હૈદરાબાદમાં જ હૉસ્પિટલો દ્વારા પ્રતિ દિવસ ૫૦ ટન જૈવિક કચરો પ્રતિ પથારી ૪૦૦ ગ્રામના દરે ફેંકી દેવામાં આવે છે. એસોસિએશન ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઑફ ઇન્ડિયા (એસોચેમ) મુજબ, વર્ષ ૨૦૨૨ સુધીમાં આ જથ્થો ભારતમાં ૭૭૫ ટનથી વધુ થઈ જવા સંભવ છે. તેનો ૪૮ કલાકમાં નિકાલ કેન્દ્રોમાં કાળજીપૂર્વક નિકાલ કરાવો જોઈએ. જો કચરાનો જરૂરી ધોરણો પ્રમાણે વિનાશ નહીં કરાય તો વધુ સંક્રામક/ઝેરી બૅક્ટેરિયા અને વાઇરસ હવામાં પ્રવેશી શકે અને લોકોના આરોગ્યને અસર કરી શકે. આ જોખમને નિવારવા, હૉસ્પિટલોમાં કચરાની વ્યવસ્થા અંગેના ૧૯૮૬ના નિયમને ત્રણ દાયકાના વિરામ બાદ સુધારવામાં આવ્યો છે. પરંતુ નવા નિયમોના અમલમાં નિષ્ફળતા નિરાશ કરનારી છે. એક વિસ્તારમાં કેટલો જૈવિક કચરો પેદા થયો અને નિકાલ પ્લાન્ટમાં કેટલો મોકલાયો તેની વિગતો સંબંધિત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડની વેબસાઇટ પર નિયમિત રીતે મૂકાવી જોઈએ. જોકે ઘણાં સ્થળોએ આ નિયમોનું નિયમિત રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક ઢબે જૈવિક કચરાના નિકાલની પ્રક્રિયા મોંઘી છે. હૉસ્પિટલોમાં કચરાની વ્યવસ્થાના પ્રમાણપત્રો આપતા કેન્દ્રોના મોટા ભાગના મેનેજરો આ જૈવિક કચરાને પરાનાં નાળા અને ગટરમાં ફેંકી દે છે. પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડો ભ્રષ્ટાચારના આરોપોમાં ગળાડૂબ છે અને તેમની તેમની ફરજ નિભાવવામાં ચૂક થઈ રહી છે. તેના કારણે જૈવિક કચરાની વ્યવસ્થા લોકોના મનમાં જૈવિક અંધાધૂંધી સર્જી રહી છે.
કોરોના વાઇરસના હજારો પીડિતોની સેવા કરવા માટે તાત્કાલિક ધોરણે માત્ર નવ દિવસમાં હજારો પથારીની હૉસ્પિટલ બાંધી શકનાર ચીનને પણ વુહાન શહેરમાં ભેગા થઈ રહેલા ૨૪૦ ટન જૈવિક કચરાનો નિકાલ કરવામાં મુશ્કેલી લાગી રહી છે. જર્મની જેવા દેશો આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ૪૭ ટકા ઘન કચરામાંથી નવી વસ્તુ બનાવીને તેનો ફરી ઉપયોગ કરવા અને ૩૬ ટકાનો બાળીને નિકાલ કરવામાં સક્ષમ છે. તેમની તૈયારીઓની સરખામણીમાં આપણે આપણી હૉસ્પિટલોમાં વ્યવસ્થામાં અનેક ગણા પાછળ છીએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાએ પુષ્ટિ કરી છે કે સારવાર માટે હૉસ્પિટલોમાં દાખલ કરાયેલા ૧૦ ટકા દર્દીઓ અસ્વચ્છ સ્થિતિના કારણે નવા ચેપ સાથે વધુ બીમાર પડી રહ્યા છે. કોઈ તબીબી કચરાના નિકાલને તેની ફરજ ગણતું નથી. ભેગા થયેલા જૈવિક કચરા વિશે ફરિયાદ કરવા અને તેના નિકાલમાં બેદરકારીને રોકવા માટે સમર્પિત વેબસાઇટ અને મોબાઇલ ઍપ લોકોમાં ઉપલબ્ધ છે; ત્યાં ભ્રષ્ટાચારની પણ જાણ કરી શકાય છે! ઘરે અંગત સ્વચ્છતા જાળવી રાખીને કોરોના વાઇરસ મહામારીમાં લોકો ટકી શકે છે, પરંતુ હૉસ્પિટલોમાં જે અસ્વચ્છ સ્થિતિ પ્રવર્તે છે તેનાથી નાની બીમારી હોય તો પણ જો લોકો હૉસ્પિટલમાં જાય તો તેમને ચેપ લાગવાની વધુ શક્યતા છે! આ નાજુક તબક્કે, કેન્દ્રએ રાષ્ટ્રીય આરોગ્ય આપાતકાળને ધ્યાનમાં રાખીને રાજ્યોને ઉદાર હાથે મદદ કરવી જોઈએ. ચીન તેના લોકોના આરોગ્યની રક્ષા માટે તેના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ૬.૩૬ ટકા ખર્ચે છે ત્યારે ભારતની તેના જીડીપીના માત્ર ૧.૨૮ ટકા ફાળવણી બતાવે છે કે આરોગ્ય ક્ષેત્રને કેટલું ઓછું આંકવામાં આવે છે. આપાતકાલીન પરીક્ષણો (ટેસ્ટ) અને સારવાર માટેની સુવિધાઓ સુનિશ્ચિત કરાશે, જૈવિક કચરાની વ્યવસ્થા બરાબર કરાશે અને દરેક તબક્કે નિરીક્ષણ તેમજ જવાબદેહીનું તંદુરસ્ત વાતાવરણ સર્જવામાં આવશે તો જ દેશ વર્તમાન કટોકટીમાંથી પાર ઉતરશે.