સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે પાર્લામેન્ટમાં બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી એન્ડ દમણ દિવ (મર્જર ઓફ યુનિયન ટેરિટરીઝ) બિલ અંગે બને સંઘપ્રદેશના રાજકીય-સામાજિક આગેવાનો, વરિષ્ઠ પત્રકારોના મતે આ બિલમાં પ્રજામત કે, પ્રતિનિધિ પાસેથી કોઈ અભિપ્રાય લેવાયા નથી. તેમજ આ બંને પ્રદેશને વિલીનીકરણની નહીં, પરંતુ મીની વિધાનસભાની જરૂરિયાત છે. તેવો મત વ્યકત કર્યો હતો. જો મર્જર જ કરવામાં આવે તો તેનું મુખ્યાલય દાદરા નગર હવેલીમાં હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
26મી નવેમ્બરે બંને સંઘપ્રદેશને એક સંઘપ્રદેશ બનાવવા માટેનું બિલ સંસદમાં રજૂ કરાયું હતું. દાદરા નગર હવેલી એન્ડ દમણ-દિવ (મર્જર ઓફ યુનિયન ટેરિટરીઝ) બિલ-2019ને સંસદમાં રજૂ કર્યા બાદ વિરોધ પક્ષે આ અંગે વિરોધ નોંધાવતા હાલ આ બિલ પર બે દિવસ ચર્ચા કરી પછી પાસ કરવાની ભલામણ સ્પીકર ઓમ બિરલાએ કરી હતી.