કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા સહિત અન્ય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પ્રિયંકા વાડ્રા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, પી. ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ અને અહેમદ પટેલ હાજર રહ્યાં હતા. જોકે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ બેઠકમાં હાજર રહ્યાં નહતા.
બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, 'સંસદના શિયાળુ સત્રમાં સખત વિરોધ વચ્ચે પસાર કરવામાં આવેલો નાગરિકતા સંશોધન કાયદો અમારી માટે મોટો મુદ્દો છે'.
સોનિયા ગાંધીએ કહ્યું કે, 'નાગરિકતા સંશોધન કાયદો ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો છે. દરેક બિનસાંપ્રદાયિક ભારતીય માટે આ કાયદો ભયજનક ઉદ્દેશ્ય વાળો છે અને તે ભારતીય લોકોને ધાર્મિક આધાર પર વિભાજિત કરે છે'.
કોંગ્રેસ કાર્યકારી સમિતિની (CWC) બેઠકમાં CAA વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો અને JNUમાં થયેલા હુમલા પછી સર્જાયેલી પરિસ્થિતિ અને અર્થવ્યવસ્થાની મંદી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.