અનેક હોસ્પિટલો દર્દીઓને વેન્ટીલેટર્સની આવશ્યકતા પડે તે સ્થિતિએ પહોંચતા અટકાવવા માટે દર્દીઓને ઓક્સિજન આપી રહી છે.
ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ કોવિડ-19ના તમામ દર્દીઓમાંથી લગભગ 15 ટકા દર્દીઓ, જેમને ગંભીર ચેપ લાગુ થાય છે, તેમને ઓક્સિજનની જરૂર પડશે, જ્યારે અત્યંત ગંભીર ચેપ ધરાવતા પાંચ ટકા દર્દીઓને વેન્ટીલેટરની જરૂર પડે છે. જોકે, બાકીના દર્દીઓને ઓક્સિજન કે વેન્ટીલેટરના સપોર્ટની જરૂર પડતી નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે હાથ ધરેલી આકારણી મુજબ, 200 પથારી ધરાવતી તબીબી સવલત જો ઓક્સિજન સિલિન્ડર્સ ઉપર આધારિત હોય તો તેને દરરજો 90 જેટલા જમ્બો સિલિન્ડર્સ જોઈએ અને વધુ 90 સિલિન્ડર્સ બેકઅપ તરીકે જોઈએ. પ્રત્યેક સિલિન્ડર આશરે 7.25 ક્યુબિક મીટર ઓક્સિજનનું હોય છે.
મંત્રાલયે ઓક્સિજનના પુરવઠા માટે મુખ્ય સ્ત્રોતો, ઓક્સિજન સિસ્ટમ કોમ્પોનેન્ટ, ઓક્સિજનની માત્રાની મૂળભૂત જરૂરિયાત અને ઓક્સિજન સિલિન્ડર્સના સંચાલન માટે આવશ્યક સાવધાનીઓ સામેલ કરીને માર્ગદર્શિકા પણ ઘડી છે, જેમાં સિલિન્ડર ભરવાથી માંડીને પરિવહન, લોડિંગ, અનલોડિંગ, વપરાશ, બદલવું, હોસ્પિટલમાં લઈ જવું વગેરે તમામ મુદ્દા સામેલ છે. સમયસર જરૂરિયાત પૂરી કરવી અને નાણાં ચૂકવવા બાબતે તમામ સંબંધિત હોસ્પિટલો અને તેના સ્ટાફને જાણ કરવી આવશ્યક છે, જેથી ઓક્સિજનની સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે.
ઓક્સિજન બેડ શું છે ?
ઓક્સિજન બેડ માટે આ ત્રણમાંથી એક વસ્તુ જરૂરી છે - પાઈપ દ્વારા ઓક્સિજન સપ્લાય, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અથવા ઓક્સિજન સિલિન્ડર.
આ માટે કોઈ જ વ્યવસ્થા નથી અને બધું શરૂઆતથી સ્થાપવાનું છે કે ફક્ત કેટલીક પથારીઓ ઉમેરીને પાઈપલાઈન લંબાવવાની વાત છે, તેના ઉપર ખર્ચ નિર્ભર છે, જે કેટલાક હજારથી માંડીને કેટલાક લાખ સુધીનો હોઈ શકે છે, એમ સરકારી હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું છે.
ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ભાવ તેની ક્ષમતા અને આધુનિકીકરણને આધારે લગભગ રૂા. એકથી ત્રણ લાખ સુધીનો હોઈ શકે છે. સિલિન્ડરનો ભાવ રૂા. 7,000થી રૂા. 8,000 જેટલો છે, પરંતુ માગ વધી રહી છે અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પુરવઠાની વારંવાર સમસ્યા સર્જાય છે.
આંકડા શું કહે છે…
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં પહેલી મેના રોજ કોવિડ-19ના હોસ્પિટલમાં દાખલ થયેલા આશરે 3.2 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર હતા અને 1.1 ટકા દર્દીઓ વેન્ટીલેટર ઉપર હતા. ઘનિષ્ઠ તબીબી નિરીક્ષણ હેઠળના કેસોમાંથી 3.2 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ, 4.7 ટકા દર્દીઓ આઈસીયુ સપોર્ટ અને 1.1 ટકા દર્દીઓ વેન્ટીલેટર સપોર્ટ ઉપર હતા.
પહેલી મેના રોજ ભારતમાં 75,000 વેન્ટીલેટર્સની માગ સામે 19,398 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ હતાં. ભારતે પહેલી મેના રોજ 60,884 વેન્ટીલેટર્સના ઓર્ડર મૂક્યા હતા, જેમાંથી 59,884 વેન્ટીલેટર્સ ઘરઆંગણાના ઉત્પાદકોએ પૂરાં પાડ્યાં છે, જેમાં 30,000 વેન્ટીલેટર્સ બીઈએલ અને સ્કેનરે, 10,000 મારુતિ સુઝુકી અને એજીવીએ તેમજ 13,500 વેન્ટીલેટર્સ એપી મેડટેક ઝોન દ્વારા પૂરાં પાડવામાં આવ્યાં છે.
ઓક્સિજનના ક્ષેત્રે પહેલી મેના રોજ ભારત પાસે કુલ 6,400 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા હતી, જેમાંથી 1,000 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન તરીકે વપરાય છે. દેશમાં ઓક્સિજનના પાંચ મોટા અને 600 નાના ઉત્પાદકો છે તેમજ દેશની 409 હોસ્પિટલો ઓક્સિજન ઉત્પાદનની પોતાની સવલતો ધરાવે છે. પહેલી મેના રોજ 1,050 જેટલી ક્રાયોજેનિક ટેન્કર્સ ઉપલબ્ધ હતી.
ઓક્સિજન સિલિન્ડર્સને લાગે વળગે છે ત્યાં સુધી, પહેલી મેના રોજ દેશમાં 4.38 લાખ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર્સ સપ્લાય માટે ઉપલબ્ધ હતાં. આશરે 1,03,000 ઓક્સિજન સિલિન્ડર્સના ઓર્ડર પણ મૂકવામાં આવ્યા હતા અને 60,000 ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન સિલિન્ડર્સને મેડિકલ ઓક્સિજન સિલિન્ડર્સમાં ફેરવવાનો આદેશ અપાયો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયે 28મી જૂન, 2020ના રોજ જાહેર કરેલા નિવેદન મુજબ કોવિડ સંબંધિત સ્વાસ્થ્યની માળખાકીય સવલતો વધુ મજબૂત બની છે. દેશમાં 1055 જેટલી હોસ્પિટલો ફક્ત કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે, જેમાં 1,77,529 જેટલા આઈસોલેશન બેડ્સ, 23,168 આઈસીયુ બેડ્સ અને 78,060 ઓક્સિજન સપોર્ટેડ બેડ્સ છે. 2400 જેટલાં કોવિડના દર્દીઓ માટેના સમર્પિત સ્વાસ્થ્ય કેન્દ્રો છે, જેમાં 1,40,099 આઈસોલેશન બેડ્સ, 11,508 આઈસીયુ બેડ્સ અને 51,371 ઓક્સિજન સપોર્ટેડ બેડ્સ કાર્યરત બનાવાયાં છે.
ભારતની ક્ષમતા
દેશમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મારફતે અથવા ગેસ પ્લાન્ટ્સમાં જનરેટર્સ મારફતે ઓક્સિજનનું કૃત્રિમ ઉત્પાદન થાય છે. તે પછી તેને માર્ગ પરિવહન દ્વારા તબીબી સંસ્થાન સુધી પહોંચાડવામાં આવે છે.
મેડિકલ ઓક્સિજનનો પુરવઠો કેટલાક પ્રકારે ઉપલબ્ધ છે. સુસ્થાપિત સંસ્થાનમાં લિક્વિડ ઓક્સિજન ભોંયરામાં બનાવેલી વિશાળ ટાંકીમાં ભરવામાં આવે છે, તે પછી પાઈપલાઈનના નેટવર્ક દ્વારા સપ્લાય થાય છે, જે દર્દીની પથારી નજીક દિવાલમાં આપેલા આઉટપુટ પોઈન્ટ સુધી પહોંચે છે. દર્દીઓને જ્યારે જરૂર પડે ત્યારે તેમને ઓક્સિજન સપ્લાયનું સીધું જોડાણ મળી શકે છે. પાઈપલાઈન દ્વારા ઓક્સિજનનાં નેટવર્ક વધુ સ્વચાલિત હોય છે, તેનાથી ઓક્સિજનની માત્રા ચકાસવા અને નિયંત્રિત કરવામાં થતી માનવીય ભૂલો થવાની સંભાવના ઘટી જાય છે.
પરંતુ ભારતમાં ઘણી હોસ્પિટલો, ખાસ કરીને નાનાં શહેરોમાં આવેલી હોસ્પિટલો સિલિન્ડર્સ ઉપર આધાર રાખે છે. કેટલીક હોસ્પિટલો જમ્બો સિલિન્ડર્સ વાપરે છે, જેની જથ્થાબંધ ખરીદી કરીને તેને ઓક્સિજન બેન્કમાં સંગ્રહવામાં આવે છે, ટેકનિકલી મેનિફોલ્ડ તરીકે ઓળખાતા આ પાઈપના નેટવર્કમાં પણ આઉટપુટ પોઈન્ટ દર્દીની પથારી નજીક હોય છે, જ્યાં ઓક્સિજન પહોંચે છે. અન્ય હોસ્પિટલો નાનાં સિલિન્ડર્સ ઉપર આધાર રાખે છે, જે દર્દીની પથારીની બાજુમાં મુકવામાં આવે છે. તેને જરૂરિયાત મુજબ ખસેડવામાં આવે છે અને દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે ત્યારે પણ તેનો ઉપયોગ થાય છે.
એઆઈઆઈજીએમએના જણાવ્યા મુજબ, ભારતમાં ઉત્પન્ન થતા ઓક્સિજનમાંથી ફક્ત 15થી 20 ટકા ઓક્સિજન જ તબીબી ક્ષેત્ર માટે હોય છે અને બાકીનો સ્ટીલના ઉત્પાદન જેવા ઔદ્યોગિક વપરાશ માટે હોય છે.
સરકારી સર્વેક્ષણમાં હોસ્પિટલોને ઓક્સિજનના સપ્લાય સંબંધિત સમસ્યાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. બિહારના પટના અને નાગાલેન્ડમાં ઓક્સિજન સિલિન્ડર્સ અને ઓક્સિજન રેગ્યુલેટર્સની અછત જોવા મળી હતી.
સરકારે લીધેલાં પગલાં
તેલંગાણા સરકાર ઓસ્માનિયા જનરલ હોસ્ટિપલ, ગાંધી હોસ્પિટલ તેમજ તેલંગાણા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે કોરોનાવાયરસના વોર્ડસમાં પથારીઓ સુધી ઓક્સિજનની સીધી સપ્લાય સ્થાપવા વિચારી રહી છે. હોસ્પિટલ બેડ્સ સુધી ઓક્સિજનની સપ્લાય સ્થાપવા માટે કોન્ટ્રાક્ટર્સને આમંત્રિત કરતાં ટેન્ડર્સ જાહેર કરાયાં છે.
સાતમી એપ્રિલ, 2020ના રોજ ભારતના દવા નિયામકે કોવિડ-19 સામે લડવા ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનના ઉત્પાદકોને મેડિકલ વપરાશ માટેનો ઓક્સિજન ઉત્પાદન કરવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કર્યો હતો. તેણે નોંધ્યું હતું કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તેના નિયમો હેઠળ ઓક્સિજન ઉત્પાદનની મંજૂરી, અરજી મળ્યાના ચોવીસ કલાકની અંદર આપી દેવામાં આવશે.