ભારતમાં બસ
વર્ષ 2016-17ની રોડ ટ્રાન્સપોર્ટ યર બૂક મુજબ ભારતના માર્ગો ઉપર દોડતી કુલ બસોના કાફલામાંથી જાહેર ક્ષેત્ર પાસે 1,49,100 (આઠ ટકા) બસો છે, જ્યારે બાકીની 17,15,200 (92 ટકા) બસો ખાનગી ક્ષેત્રની માલિકીની છે.
ઈન્સ્ટીટ્યુટ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ પોલિસી (આઈટીડીપી)ના જણાવ્યા મુજબ, દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોમાં લગભગ 20 ટકા શહેરી મુસાફરો જાહેર પરિવહનનાં વાહનો ઉપર આધાર રાખે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્હીમાં રોજ સરેરાશ 43 લાખ ફેરા માટે ઓછામાં ઓછી 14,300 બસોની જરૂર પડે, જ્યારે દેશની રાજધાનીમાં કુલ 5,576 બસો જ છે. મહારાષ્ટ્રમાં બીઈએસટી (બેસ્ટ) દરરોજ સરેરાશ 22 લાખ મુસાફરોના પરિવહન માટે 2,865 બસો દોડાવે છે. ટીએસઆરટીસી પાસે 10,460 બસો છે અને સામાન્ય દિવસોમાં તે દૈનિક એક કરોડ લોકોને મુસાફરી કરાવે છે.
યુઆઈટીપી (ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ)ના અભ્યાસ મુજબ સર્વે કરાયેલા બસ ઓપરેટરો કોવિડ પૂર્વે સરેરાશ 15 લાખ લોકોને સવારી કરાવતા હતા.
અભ્યાસનાં તારણો -
• અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્હીમાં દરરોજ સરેરાશ 43 લાખ સવારી માટે 14,300 બસોની આવશ્યકતા છે, જ્યારે બસોની કુલ સંખ્યા 5,576 છે.
• કોવિડ મહામારીના સમયે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા માટે લોકોની જરૂરિયાત સામે ભારતના જાહેર પરિવહનનાં વાહનોના કાફલામાં 24 ગણી ઓછી બસો છે.
બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ બસીઝ (બેસ્ટ) દ્વારા મુંબઈમાં પ્રત્યેક બસમાં ફક્ત 30 મુસાફરોને મુસાફરી કરવાની છૂટ આપવાના ચોક્કસ નિયમો લાગુ કરાવાને પગલે હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે દેશમાં દરરોજ મુસાફરી કરી રહેલા 2.5 કરોડ મુસાફરો માટે આશરે 6,66,667 બસોની જરૂર છે. જોકે, હાલમાં ફક્ત 25,000 જેટલી બસો જ કાર્યરત છે.
કોવિડ-19ના લોકડાઉન દરમ્યાન બસ
• લોકડાઉન દરમ્યાન ફક્ત એકથી બે ટકા સામાન્ય સેવાઓ કાર્યરત હતી.
• સરકારની વિનંતીને પગલે 67 ટકા ઓપરેટર્સે તબીબી અને આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે ફક્ત વિશેષ સેવાઓ જ ચાલુ રાખી હતી.
• મુસાફરોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને 81 ટકા ઓપરેટર્સ પાસે કોઈ મુસાફરો જ ન હતા.
• 60 ટકા કરતાં વધુ ઓપરેટરોનું માનવું છે કે કોવિડ પૂર્વેની સ્થિતિની સરખામણીએ હવે 50 ટકાથી વધુ માગ અને સેવા જોવા નહીં મળે.
• 12 ટકા ઓપરેટરો માને છે કે સેવાઓ 75-100 ટકા પુનઃ કાર્યરત બનશે, ફક્ત ચાર ટકાનું માનવું છે કે પરિવહન ક્ષેત્રે અગાઉ જેટલી માગ ફરી જોવા મળશે.
સમસ્યાઓ
• અનેક ભારતીયોને કાર ખરીદવી પરવડે તેમ નથી.
• જો લોકો યેનકેન પ્રકારેણ વાહન ખરીદી લે, તો પણ પાર્કિંગની સમસ્યા ફરી માથું ઉંચકશે અને તેમાં અનેકગણો વધારો થશે.
• કેપજેમિનિ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના ગ્રાહક સર્વેક્ષણમાં ભારપૂર્વક જણાવાયું છે કે સ્વાસ્થ્ય અને સલામતિની ચિંતાઓને પગલે ગ્રાહક વર્તણૂક આકાર લેતી હોવાને કારણે વર્ષ 2020માં શહેરોમાં વસતા ફક્ત 57 ટકા મુસાફરોએ વાહન ખરીદવાનું આયોજન કર્યું છે.
• બસોમાં સામાજિક અંતર જાળવવા માટે બસોની સંખ્યા વધારતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક વધશે અથવા તો ખાનગી વાહનોની સંખ્યા વધતાં પણ માર્ગો ઉપર ટ્રાફિક વધશે, જેના પગલે નાનાં અને મોટાં શહેરોમાં ભીડ અને પ્રદૂષણમાં વધારો થશે.
રાજ્યો
• તામિલનાડુ - ટીએનએસટીસી તેના કુલ કાફલામાંથી ફક્ત 50 ટકા બસો દોડાવે છે અને મુસાફરોની આવનજાવનનું સંચાલન કરવા મથે છે. ખાનગી બસનાં કામકાજ ભીડ ઘટાડશે તેવી ધારણા છે. બસ ઓપરેટરોએ ટિકિટ ભાડાં નહીં વધારવાનું નક્કી કર્યું છે. દરમ્યાન, જિલ્લામાં ફરતી તેમજ જિલ્લામાંથી બહાર જતી બસોની ચોક્કસ સંખ્યા હજુ જાણવા મળી નથી.
• મહારાષ્ટ્ર - એમએસઆરટીસીએ જણાવ્યું છે કે તેણે મે મહિનામાં ચાર ગ્રીન ઝોન્સમાં બસ સેવાઓ ચાલુ કરી દીધી હતી, જેમાં પ્રત્યેક બેઠક દીઠ ફક્ત એક વ્યક્તિને બેસવાની છૂટ છે.
• હિમાચલ પ્રદેશ - કોવિડ-19ના લોકડાઉન બાદ એચઆરટીસી ફક્ત 60 ટકા મુસાફરો સાથે બસો દોડાવે છે. તેણે એવું પણ નક્કી કર્યું છે કે એવા રૂટ્સ, જેમાં મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય, તે રૂટ્સ ઉપર બસોની સંખ્યા પણ ઓછી રાખવી. જોકે, રાજ્યમાં જે રૂટ્સ ઉપર બેઠકોની ઉપલબ્ધ સંખ્યા કરતાં વધુ મુસાફરો હોય, ત્યાં ખાસ કરીને ભીડના અવરજવરના સમયે સામાજિક અંતરના નિયમોનું પાલન નહીં થતું હોવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. કેટલાક રૂટ્સ ઉપર લોકો બસની અંદર ઊભા રહેલા પણ જોવા મળ્યા હતા.
• કર્ણાટક - રાજ્ય સરકારે જે લોકો પોતાના ઘરે પરત ફરવા માગતા હોય, તેવા લોકો માટે બેંગલુરુથી કર્ણાટકના અન્ય જિલ્લાઓ સુધી મુસાફરી કરવા માટે કેએસઆરટીસીની બસોની એક વારની સેવાની વ્યવસ્થા કરી છે. ખાનગી બસોને એક બસમાં ફરજિયાતપણે માસ્ક પહેરેલા અને શારીરિક અંતર જાળવતા 30 લોકો સાથે સેવા આપવાની છૂટ છે.
• તેલંગાણા - રાજ્યની અંદર ફરજિયાત સેનિટાઈઝેશન અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે મુસાફરીની છૂટ છે.
• દિલ્હી - ડીટીસીની આશરે 3400 બસોએ દિલ્હીમાં 19મી મેના રોજથી કામકાજ શરૂ કર્યાં હતાં, જેમાં સામાજિક અંતરના નિયમોના યોગ્ય પાલન સાથે પ્રત્યેક ફેરી બાદ બસને જંતુવિહિન (ડિસઈન્ફેક્ટ) કરવાની જવાબદારી ડ્રાયવરને આપવામાં આવી હતી.