હૈદરાબાદ: આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત થયા છે અને સૌથી વધુ એક દિવસમાં 22,771 નવા COVID-19 કેસ નોંધાયા છે. ભારતમાં કુલ મૃત્યુઆંક 18,655 પર પહોંચ્યો છે.
દિલ્હી
રાજધાની દિલ્હીમાં શુક્રવારે 2,505 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. કેસની કુલ સંખ્યા 97,000થી વધુ થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3004 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 50 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્ર
પૂણે શહેરના મેયર મુરલીધર મોહોલ કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા, મોહોલ ડેપ્યુટી સીએમ અજિત પવાર, સીએમ સલાહકાર અજોય મહેતા, આરોગ્ય સચિવ પ્રદીપ વ્યાસ અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં હાજર રહ્યાં હતા. વધુ એક પોલીસ કર્મચારીનું મોત ઈન્ફેક્શનથી થયું હતું.
બિહાર
બિહાર વિધાન પરિષદના કાર્યકારી અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહે કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને નાયબ સીએમ સુશીલ કુમાર મોદીએ કોવિડ -19નો ટેસ્ટ કરાવ્યો છે. નીતિશ કુમાર 1 જુલાઇએ નવા ચૂંટાયેલા એમએલસીના શપથવિધિ દરમિયાન વરિષ્ઠ નેતાઓ અને રાજ્ય પ્રધાનો સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
રાજસ્થાન
રાજ્ય સરકાર સ્કૂલ પાઠયપુસ્તકોમાં COVID-19નો સમાવેશ કરવા માટે તૈયાર છે. કોરોના સંકટનો સમયગાળો આગામી વર્ષોમાં અભ્યાસક્રમનો એક ભાગ હશે. ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે કોવિડ-19 વિશેની જાણકારી અલગ અલગ રીતે આપવાની યોજના છે.
ઉત્તરપ્રદેશ
રાજ્ય આયુષ પ્રધાન ધર્મસિંહ સૈની COVID-19 પોઝિટિવ આવ્યા છે. પ્રધાનના સંબંધી સહિતના તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાવવાનું કહેવામાં આવ્યું છે અને તેમના સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે. શનિવારે ઉત્તરપ્રદેશમાં કોવિડ-19 ને કારણે મૃત્યુઆંક 773 પર પહોંચી ગયો છે, જ્યારે રાજ્યમાં કુલ 26,554 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 757 નવા કેસ નોંધાયા છે.
ઉત્તરાખંડ
આજે રિકવરી રેટ 81 ટકા પર પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય સરેરાશ 23.52 તુલનામાં રાજ્યમાં ચેપનો બમણો દર 57.39 છે. પાછલા અઠવાડિયામાં વાઈરસનો ફેલાવો ઘટ્યો છે.
ઝારખંડ
કોવિડ-19ને કારણે આજે 3 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. સરકારી બુલેટિન મુજબ, રાજ્યોમાં કુલ કેસની સંખ્યા 2700 છે. 2001 ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,51,699 લોકોનાં પરીક્ષણ કરવામાં આવ્યાં છે.
ઓડિશા
ઓડિશામાં કોવિડ-19 ના કારણે વધુ પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા. કુલ મૃત્યુઆંક 34 પર પહોંચ્યો છે. જ્યારે 495 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 8601 પર પહોંચી છે.
મધ્ય પ્રદેશ
ઈન્દોર અને ભોપાલ પછી મોરેના કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું છે. જિલ્લામાં 78 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 14,606 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 598 પર પહોંચ્યો છે.