નવી દિલ્હી: દેશમાં કોવિડ-19ને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1,373 થઈ છે અને સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 42,533 થઈ છે. તે જ સમયે 29,453 લોકો હજી પણ સંક્રમિત છે, જ્યારે 11,707 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. 111 વિદેશી નાગરિકો પણ સંક્રમિતના કુલ કેસમાં સામેલ છે. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લુવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
સંયુક્ત સચિવે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના ચેપના 2553 નવા કેસો આવ્યા અને સંક્રમણને કારણે 72 લોકોનાં મોત નીપજ્યાં. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 1074 લોકો સ્વસ્થ થયા છે.
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, હવે દર્દીઓ 27.52 ટકાના દરે સ્વસ્થ થઈ રહ્યા છે.
બીજી તરફ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે, દેશના ત્રણેય ઝોનને કેટલાક પ્રતિબંધોથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થશે નહીં.