નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી હિંસા કેસમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી આસિફ ઇકબાલ તાન્હા સામે તપાસને એકપક્ષીય ગણાવી છે. વિશેષ ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ તાન્હા સામે પોલીસે રજૂ કરેલી કેસની ડાયરીની તપાસ કર્યા બાદ આ ટિપ્પણી કરી હતી.
આ સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને વિરોધી પક્ષ અંગેની આ કેસની તપાસ વિશે પૂછ્યું હતું, જેનો જવાબ પોલીસ અધિકારીઓ આપી શક્યા નહીં. કોર્ટે કહ્યું કે, કેસની ડાયરી જોઈને લાગે છે કે તપાસ એકતરફી થઈ રહી છે. જ્યારે અદાલતે વિરોધી પક્ષની તપાસ અંગે ઈન્સ્પેક્ટર લોકેશ અને અનિલને પૂછ્યું તો તેઓ જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ કોર્ટે સંબંધિત ડીસીપીને આ કેસની તપાસની દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો હતો. અદાલતે ડીસીપીને નિર્દેશ આપ્યો કે, નિષ્પક્ષ તપાસ થાય.
સુનાવણી બાદ કોર્ટે તાન્હાની ન્યાયિક કસ્ટડી 25 જૂન સુધી વધારવાનો આદેશ આપ્યો છે. તાન્હા હજી પોલીસ કસ્ટડીમાં હતો. જામિયા વિસ્તારમાં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં તાન્હાને ડિસેમ્બર 2019માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, તાન્હા ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ, મીરાન હૈદર અને સફુરા જર્ગરનો નજીકનો સાથી છે. 15 ડિસેમ્બર, 2019ના રોજ જામિયા વિસ્તારમાં થયેલી હિંસામાં બસો અને પોલીસ વાહનોને સળગાવવામાં આવ્યાં હતાં. પોલીસ અને સામાન્ય નાગરિકો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગયા ફેબ્રુઆરીમાં, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસામાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતાં.