નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી એક વખત ફરી તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરશે. PM મોદી 11 એપ્રિલના રોજ વીડિયો કોન્ફરેન્સિગના માધ્યમથી મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરશે. જેમાં કોરોનાની તાજેતરની સ્થિતિ, તેની સામે લડવાના ઉપાયો અને લોકડાઉન પૂર્ણ કરવાના સમય અંગેની ચર્ચા કરશે.
આ અગાઉ વડાપ્રધાને આ મુદ્દા પર 2 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. તે દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકો ઘરની બહાર નીકળવાનું ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રએ એક રણનીતિ તૈયાર કરવાની જરૂર છે.
કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઈમાં સંભવ પ્રયાસોની જરૂરતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને કહ્યું હતું કે, જિલ્લા સ્તર પર આ ઉદ્દેશ્ય માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમૂહ બનાવવા જોઈએ. આ સાથે જ જિલ્લા લેવલે અધિકારીઓની નિમણૂક કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદથી કોરોનાના કેસ પર PM મોદીએ અત્યાર સુધી 2 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું છે. જેમાં એક વખત કોરોના વાઇરસને લઇને એક દિવસના જનતા કરફ્યૂનું એલાન કર્યું હતું.
આ ઉપરાંત તેમણે ડૉક્ટરો, પત્રકારો, વિદેશમાં ભારતીય રાજદ્વારીઓ સહિત વિવિધ પક્ષકારો સાથે ચર્ચા કરી ચૂક્યા છે.