નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે એર ઇન્ડિયાએ દક્ષિણ કોરિયા અને ઇટલીની તમામ ફ્લાઇટને રદ કરી છે. એર ઇન્ડિયાના અધિકારીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.
એર ઇન્ડિયાએ દક્ષિણ કોરિયાની ફ્લાઇટ 25 માર્ચે અને ઇટલીની ફ્લાઇટ 28 માર્ચ સુધી રદ કરી છે. પ્રવાસી વિઝાને લઇને સરકારે નિવેદનમાં કહ્યું કે, રાજદ્વારી, સત્તાવાર, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વર્કિંગ અને પ્રોજેક્ટ વિઝા સિવાયના તમામ હાલના વિઝા 15 એપ્રિલ 2020 સુધી સ્થગિત કરવામાં આવે છે. આ 13 માર્ચ 2020ના બપોરના 12 વાગ્યાથી બધા પ્રસ્થાન સ્થળોથી લાગૂ રહેશે.
ભારતમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા 65ને પાર પહોંચી છે. ભારત સરકારે આની સામે લડવા માટે ઘણા પલગાં ભર્યાં છે. ભારતમાં અસરગ્રસ્ત લોકોમાં ઇટલીના લોકો પણ સામેલ છે.
ચીનના વુહાન શહેરમાંથી આવેલા આ વાયરસે 4,300થી વધુ લોકોનો જીવ લીધો છે. આ વાયરસથી સવા લાખ લોકો અસરગ્રસ્ત છે. બુધવારે WHOએ આ રોગને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે.