ન્યૂઝ ડેસ્ક: ભારતીયો ઈરાનની ભૂમિ પરથી રવાના થાય તે પહેલાં તેમનું પરીક્ષણ કરવા માટે આખરે ઈરાન તૈયાર થયું હતું. આવી તપાસ માટે ભારતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના છ નિષ્ણાંતો અને ભારતના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ માટે વીઝાની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં આ નમૂનાઓની તપાસ કરવામાં આવશે અને તે પછી તેમાંથી જેમના ટેસ્ટ Covid-19 વાયરસ માટે નેગેટિવ આવશે, તેમને ઈરાનથી વતન પરત લાવવાની કાર્યવાહી કરાશે. જેમના ટેસ્ટ પોઝિટિવ આવશે અથવા જેમના કેસ શંકાસ્પદ લાગશે, તેમને ઈરાનના આરોગ્ય મંત્રાલય દ્વારા નિશ્ચિત કરાયેલા કેન્દ્રોમાં સારવાર માટે ખસેડવામાં આવશે.
“ભારતના ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને 26 ફેબ્રુઆરી 2020ના રોજ ઈરાનથી આવતી ફ્લાઇટ્સને રદ કરવાનો નિર્ણય કર્યો તે પછી ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને માનવતા અને આ મુદ્દાની તાકિદને સમજીને કેટલીક રાહત માટેની ફ્લાઇટ્સ માટે તૈયારી બતાવી હતી. બંને દેશના એકબીજા દેશોમાં ફસાયેલા નાગરિકોને સલામત ખસેડવા માટે આરોગ્યના પ્રોટોકોલ પ્રમાણે આમ કરવા માટે ઈરાન તૈયાર થયું હતું,” એમ ઈરાનની એમ્બેસીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
તહેરાનથી શનિવારે દિલ્હી પહોંચેલી ફ્લાઇટમાં ભારત ખાતે ફસાયેલા ઈરાની નાગરિકોને વતન લઈ જવાશે. આ ઉપરાંત નવી દિલ્હી અને મુંબઈ બંને જગ્યાએ એકબીજા દેશના નાગરિકોને સલામત ખસેડવા માટે વધુ ફ્લાઇટ્સ માટે વાતચીત ચાલી રહી છે. બંને દેશો વચ્ચે મર્યાદિત પ્રમાણમાં કમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટેની વ્યવસ્થા માટે પણ વિચારણા શરૂ થઈ છે.
“પર્યકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિતના બંને દેશના નાગરિકોને પડી રહેલી તકલીફોમાં રાહત મળે તે માટેના પ્રયાસો બંને દેશો તરફથી થતા રહે છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણે સંયુક્ત પ્રયાસો કરવાના રહે છે, તેને ધ્યાનમાં રાખીને ઉકેલ લાવવા માટે બંને દેશો એકબીજાના સંપર્કમાં છે,” એમ એમ્બેસીએ વધુમાં જણાવ્યું હતું. કોરોના વાયરસનો ચેપ લાગી ગયો હોય તેવા કેટલાક ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલો ખોટા હોવાનું એમ્બેસીએ જણાવ્યું હતું.
હાલના સમયમાં નવી દિલ્હી અને તહેરાન વચ્ચેના સંબંધોમાં થોડી તંગદિલી આવી હતી, કેમ કે ભારતના વિદેશ પ્રધાન ઝારિફ અને બાદમાં દેશના સર્વોચ્ચ નેતા ખમૈઇનીએ દિલ્હીના તોફાનો વિશે આકરી ટીકા કરી હતી. ટ્વીટ્સ કરીને તેમણે ભારતમાં ‘મુસ્લિમોની કત્લેઆમ’ થતી હોવાનું જણાવ્યું હતું. તેનાથી નારાજ થયેલા ભારતે ઇરાનના રાજદૂતને તેડાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
- સ્મિતા શર્મા, નવી દિલ્હી