ન્યૂઝડેસ્ક : નેશનલ સીડ્સ કોર્પોરેશન (એનએસસી) લિમિટેડે તાજેતરમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકારોના ધ્યાને એ વાત મૂકી હતી કે જો બિયારણ ઉદ્યોગ બિયારણના પ્રોસેસિંગની પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી મહિનાથી દેશભરમાં બિયારણનું વેચાણ કરવું મુશ્કેલ પડી શકે છે. હાલની સીઝનની વાત કરીએ તો ગત ઓક્ટોબરમાં વાવણી કરવામાં આવેલો પાક હાલ લણણી કરવાના તબક્કે આવી પહોંચ્યો છે. પાકની લણણી થઇ ગયા બાદ બિયારણોને ખેતરોમાંથી રિફાઇનિંગ (શુધ્ધિ) કેન્દ્રો ઉપર મોકલવા પડે. તેઓની રિફાઇનિંગની પ્રક્રિયા પૂર્ણ થાય અને તેઓની ગુણવત્તા ચકાસી લેવામાં આવે ત્યારબાદ જ તેને ખરીફ સીઝન માટે વેચાણમાં મૂકી શકાય.
તેલંગાણાનો કૃષિ વિભાગ અંદાજે 7.50 લાખ ટન જેટલાં બિયારણો રાહતદરે સીધા ખેડૂતોને વેચવાની યોજના બનાવી રહ્યો છે. જો કે આ યોજનાને અમલી બનાવવા રાજ્યની સીડ્સ ડેવલોપમેન્ટ ઓથોરિટિએ સીધા ખેડૂતો પાસેથી બિયારણો ખરીદવા પડે અને તેને રિફાઇનિંગ કેન્દ્રો ઉપર મોકલી આપવા પડે. બિયારણોને રાજ્યની આવશ્યક સેવાઓમાં સમાવી લેવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે આવશ્યક સેવાઓને રાબેતા મુજબ કામ કરવાની મંજૂરી આપી હોવાથી એનએસસીના પ્રમુખ એમ. પ્રભાકર રાવે કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન બિયારણોનું શુધ્ધિકરણ કરતી રિફાઇનરીઓને કામ કરવા દેવાની મંજૂરી આપવા તેમણે કેન્દ્રના કૃષિ સચિવ અને રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખ્યા છે. તેમણે કહ્યું હતું કે બિયારણની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તેઓના ઓળખપત્ર બતાવીને જવા દેવાની મંજૂરી અપાવી જોઇએ અને બિયારણોનું પરિવહન કરતી ટ્રકોને પોલીસે રોકવી જોઇએ નહીં.
આગામી મહિનાથી પંજાબમાં કપાસની લણણી શરૂ થઇ જશે. મે મહિનાથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તમામ પાકના બિયારણોનું વેચાણ શરું થવું જોઇએ. અને આ બાબતને શક્ય બનાવવા બિયારણની કંપનીઓને લોકડાઉનમાંથી મુક્તિ અપાવી જોઇએ. બિયારણનો પૂરવઠો અન્ય રાજ્યોને પણ પહોંચાડવાનો હોવાથી રાવે કહ્યું હતું કે સરકારે આંતર રાજ્ય પરિવહનને પણ મંજૂરી આપવી જોઇએ.
તેલંગાણા સિડ્સ એન્ડ ઓર્ગેનિક સર્ટિફિકેશન ઓથોરિટિના ડાયરેક્ટર કેશાવુલુએ પણ રાજ્ય સરકારના ધ્યાન ઉપર આ મુદ્દો મૂક્યો હતો.
રાજ્યના કૃષિ વિભાગે પણ તાજેતરમાં બિયારણ કંપનીઓને તેલંગાણા રાજ્યમાં વિતરણ માટે કપાસના બિયારણના 1.10 કરોડ પેકેટ્સ તૈયાર કરવાની તાકીદ કરી હતી. જો કે કંપનીઓએ લોકડાઉનમાંથી તેઓને મુક્તિ આપવાની પણ સરકારને વિનંતી કરી હતી.