નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી અસરગ્રસ્તના કેસમાં વધારા વચ્ચે સરકારે ગુરૂવારે લોકોને ચિંતા ન કરવાની વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને વિનંતી કરી છે કે, ચિંતા ન કરો અને સાવચેતી રાખો.
ભારતમાં 7 રાજ્યોમાં કોરોના વાયરસના 16 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં આનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 80 થઇ છે. આરોગ્ય મંત્રાયલે જણાવ્યું કે, આ નવા 16 કેસમાં 11 કેસ મહારાષ્ટ્રથી, જ્યારે એક-એક કેસ દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં સામે આવ્યાં છે.
દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ
કોરોના વાયરસ સામે લડવા માટે થઇ રહેલી તૈયારીને લઇને દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ મુદ્દે સોમવાર (16 માર્ચ)ના રોજ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
સ્કૂલ-કૉલેજ બંધ
દિલ્હી સરકારે કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્હીની સ્કૂલ, કૉલેજ અને થિએટર્સને 31 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ અને ટોચના સરકારી અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય લીધો છે. ઉત્તરાખંડ અને મણિપુરની સરકારોએ પણ 31 માર્ચ સુધી સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં સ્કૂલ, કૉલેજને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાનમાં ભારતીય
ભારતીય સેનાએ જણાવ્યું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા 150 ભારતીય નાગરિકોને શુક્રવારે ભારત પરત લાવવામાં આવ્યાં છે. ભારતીય સેના દ્વારા જેસલમેરમાં બનાવવામાં આવેલા કેન્દ્ર પર તેમને રાખવામાં આવ્યા છે. એરપોર્ટ પર તપાસ બાદ તેમને સેનાના કેન્દ્ર લઇ જવામાં આવશે. 14 માર્ચે પણ ઈરાનથી 250 લોકોને ભારત લાવવામાં આવશે. તેમને પણ જેસલમેર રાખવામાં આવશે.
ગૂગલે કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું
બેંગુલુરૂ કાર્યાલયમાં એક ગૂગલ કર્મચારીને કોરોનાની અસર જોવા મળી છે. જેથી કંપનીએ પોતાના તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવા અંગે કહ્યું છે.
ભારતમાં કોરોનાના કેસ
- કેરલ-17
- હરિયાણા-14 (ઈટલીના નાગરિક)
- મહારાષ્ટ્ર-16
- ઉત્તર પ્રદેશ-11 (1 વિદેશી નાગરિક)
- દિલ્હી-6
- કર્ણાટક-5
- રાજસ્થાન-3 (2 ઈટલીના નાગરિક)
- લદ્દાખ-3
- તેલંગણા-1
- તમિલનાડુ-1
- જમ્મુ-કાશ્મીર-1
- પંજાબ-1
- આંધ્ર પ્રદેશ-1