જેમ્સ વૉટે 1780માં વરાળચાલિત એન્જિનને શોધ્યા પછી વિશ્વમાં લગભગ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ચૂકી છે. ચોથી ક્રાંતિ હવે થઈ રહી છે. અદ્યતન ટૅક્નૉલૉજી આપણાં જીવન અને આજીવિકાને ઝડપથી બદલી રહી છે. તેઓ માનવને બીજા માનવ સાથે જોડવાની સાથે માનવને યંત્રો સાથે જોડી રહી છે. વિશ્વભરમાં 26 લાખ રોબોટને કામે લગાડ્યા છે, ત્યારે આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો પ્રકાર અને તેની સ્થિતિની કલ્પના કરી શકીએ છીએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોટો ડેટા, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (કમ્પ્યૂટરો, યાંત્રિક કે ડિજિટલ મશીનો એકબીજા સાથે જોડાયેલા હોય તે પ્રણાલિ), થ્રીડી પ્રિન્ટિંગ, બ્લૉકચેઇન, ઑગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, મશીન લર્નિંગ જેવી આધુનિક પ્રગતિ વિશ્વનો ચહેરો બદલી રહી છે. બૅન્કો એઆઈનો ઉપયોગ તેમના ગ્રાહકોની ધિરાણપાત્રતાનો અંદાજ લગાવવા માટે કરી જ રહી છે. ધિરાણને મંજૂર કરવા, મેનેજરની જગ્યાએ બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કેટલાંક સંગઠનોમાં રૉબોટ વકીલોએ માનવ વકીલોનું સ્થાન લઈ લીધું છે. કર્મચારીના પગાર અહેવાલો અને કંપનીના સિલકપત્રો હવે સ્વયંચાલિત બની ગયા છે. સ્વયંચાલન સાથે, કંપનીની ઉત્પાદકતા, અસરકારકતા અને નફાદાયકતા પણ વધશે. ચોથા ઔદ્યોગિક ક્રાંતિ સાથે, ખાસ કરીને બિગ ડેટા સાથે, એવો અંદાજ લગાવાય છે કે વર્ષ 2030 સુધીમાં જીડીપી 14 ટકા વધશે. પ્રાઇસ વૉટર હાઉસ કૂપર્સ (પીડબ્લ્યુસી)નો અંદાજ છે કે આ વૃદ્ધિ 15.7 લાખ કરોડ અમેરિકી ડૉલર બરાબર હશે.
અમેરિકામાં 45 ટકા નોકરીઓ સ્વયંચાલનના કારણે જશે. જો કે, ભારત જેવા દેશોમાં સ્વયંચાલન પર જતા થોડો સમય લાગશે. કારણ કે પગાર ઓછા છે અને કાર્યદળની પ્રાપ્યતા વધુ છે. મેકિન્સી ગ્લોબલનો અંદાજ છે કે વિશ્વભરનું 15 ટકા કાર્યદળ તેમની નોકરી સ્વયંચાલનના લીધે ગુમાવશે. સ્વયંચાલન અનેક નોકરીઓનું સ્થાન લે છે તે વાત સાચી છે, પરંતુ તે નવી નોકરીઓનું સર્જન પણ કરે છે. કોઈ પણ વ્યક્તિ નવા પ્રકારની નોકરીઓનું કલ્પના કરી શકવા સમર્થ નથી. તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે 8થી 9 ટકા વર્તમાન કાર્યદળ આ નવી નોકરીઓનો ભાગ હશે.
ભવિષ્યમાં ફ્રીલાન્સ અને પાર્ટ ટાઇમ જૉબ પૂર્ણ સમયની રોજગારીનું સ્થાન લેશે. જે લોકો કરિયાણું ઘરે આપે છે, મૉટર વિહિકલ ડ્રાઇવરો અને જે લોકો લેજર એકાઉન્ટ લખે છે તેવા લોકોની માગમાં વધારો થશે. એવો સમય આવશે જ્યારે વિવિધ દેશોના નિષ્ણાતો મળીને એક જ પરિયોજના પર કામ કરતા હશે. ક્રમશઃ સંગઠિત અને અસંગિટત ક્ષેત્ર વચ્ચેનું અંતર ગાયબ થશે. ગ્લૉબલ ડેવલપમેન્ટ ગ્રૂપ અનુસાર, હાલમાં વિશ્વ વ્યાપી કાર્યદળ 350 કરોડ છે. અત્યારે તેમાં માત્ર 3 ટકા જ ફ્રીલાન્સર તરીકે કામ કરી રહ્યા છે. ધીમે-ધીમે સર્જનાત્મકતા અને નવીનતાનું જેમ-જેમ મહત્ત્વ વધશે, તેમ રૉબોટ ઓછા કૌશલ્યવાળી નોકરીઓનું સ્થાન લેશે. બુદ્ધિમતા આંક (આઈક્યૂ)ની સાથે સંવેદના આંક (ઇક્યૂ) પણ ભવિષ્યની નોકરીઓમાં મહત્ત્વનો રહેશે. યંત્રવત ક્રિયા કર્યા રાખવાના બદલે જે લોકો વિશ્લેષણાત્મક અને તાર્કિક કૌશલ્યો ધરાવે છે, વિવેચનાત્મક વિચારસરણી, સમસ્યા ઉકેલવા અને નિર્ણય કરી શકવાની ક્ષમતા ધરાવે છે તેઓ સફળ થશે. OECD અહેવાલમાં જાહેર કરાયું છે કે સર્જનાત્મકતા, ટૅક્નિકલ અને પ્રબંધન કૌશલ્યો ધરાવતા લોકો ભવિષ્યમાં નોકરીઓ અને વેપારઉદ્યોગમાં પ્રગતિ કરશે.
એક સમયે, ટૅક્નૉલૉજિકલ શોધ થતા દાયકાઓ અને સદીઓ લાગતી હતી, અત્યારે તેના માટે કેટલાક મહિનાઓ જ લાગે છે. નોકરીમાં આગળ વધવા સમયે-સમયે નવાં કૌશલ્યો વિકસાવવાં આવશ્યક છે. જ્યાં સુધીમાં એક વિદ્યાર્થી એન્જિનિયરિંગ પૂરું કરે છે ત્યાં સુધીમાં જૂની નોકરીઓનું સ્થાન નવી નોકરીઓએ લઈ લીધું હોય છે. આથી જ હવે કૉલેજમાં શીખેલાં કૌશલ્યોની સાથે નવાં કૌશલ્યો શીખવા જરૂરી છે. યુવાન પેઢીએ નવાં કૌશલ્યો શીખતા જ રહેવું જોઈએ. પરંતુ આપણી શિક્ષણ પ્રણાલિ યુગો જૂના અભ્યાસક્રમ સાથે સખત પાછળ ચાલી રહી છે. આપણી શિક્ષણની પદ્ધતિ એવી રીતે થઈ રહી છે કે શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી સાંભળે છે.
એક વર્ગમાં, કેટલાક વિદ્યાર્થીઓ બીજા કરતાં વધુ બુદ્ધિશાળી હશે. કેટલાક ઝડપથી શીખી લે છે જ્યારે કેટલાક ધીમું શીખનારા હોય છે. પરંતુ શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓનાં ધોરણો મુજબ ડિઝાઇન નથી કરાયેલી હોતી. દરેક વિદ્યાર્થીએ એક જ પરીક્ષા આપવાની હોય છે. જે લોકો ગોખેલું યાદ રાખીને લખે તેમને માર્ક મળી જાય છે, પરંતુ લોકો વિષય સમજ્યા હોય તેમને એટલા ગુણ નથી મળતા. વર્તમાન શિક્ષણ પદ્ધતિ, પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કારકૂન અને કારખાનાના કામદારો પેદા કરવા માટે ઘડાઈ હતી, તે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં કામ લાગે તેવી નથી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ટૅક્નૉલૉજીમાં પ્રગતિની ગતિએ દોડવું પડશે. કૉલેજ શિક્ષણની પ્રણાલિ ધીમેધીમે ગૂમ થઈ જશે. પોતાની સમક્ષ રહેલા પાઠો અભ્યાસ કરવાની સાથે, સહાધ્યાયીઓ સાથે સમૂહ ચર્ચા કરવી, સંઘકાર્ય દ્વારા ઉકેલ મેળવવો, ઑનલાઇન શિક્ષણ અને બહુઆયામી શિક્ષણ-શીખવવું એ બધું સામાન્ય નિયમ થઈ જશે. વિવિધ મંચો પરથી કૌશલ્યો પ્રાપ્ત કરીને વિદ્યાર્થી શિક્ષક અને વિદ્યાર્થી બંને બની જશે. શિક્ષકો તેમને કેળવવા માટે જ હશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને ઑગમેન્ટેડ રિયાલિટી શિક્ષણ-શીખવાના આયામો બદલી નાખશે. મેકગ્રૉ હિલ સ્માર્ટ બુક્સ જેવી શિક્ષણ પદ્ધતિ જે વિદ્યાર્થીઓની રુચિનો અંદાજ લગાવે છે તે હવે પ્રાપ્ય છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એવા વિદ્યાર્થીઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે માત્ર નોકરીઓનું લક્ષ્ય રાખવાના બદલે ઉકેલ પ્રાપ્ત કરવા માટે વિચારે છે. તે એવા શિક્ષકો ઘડશે જે સૌથી અસ્થિર અને બદલાતી સ્થિતિઓમાં સ્થિર રહેશે. ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો વિદ્યાર્થીઓની ક્ષમતા અને રુચિ પર આધારિત શિક્ષણ પદ્ધતિઓનો અમલ કરશે. શૈક્ષણિક સંસ્થાઓએ ઉદ્યોગ અને સમાજ સાથે સાંમજસ્ય કેળવવું પડશે અને તેમના વિદ્યાર્થીઓને અનુકૂળ ઇન્ટર્નશિપ આપવી પડશે. વિદ્યાર્થીઓને પ્રૉજેક્ટ લેવા માટે પ્રોત્સાહિત કરાવા જોઈએ. કારકિર્દીની સલાહ અને માર્ગદર્શન સમયેસમયે અપાવું જોઈએ. વિદ્યાર્થીઓને તેઓ શિક્ષણ મેળવતા હોય ત્યારે કામ કરવાની તક આપવી જોઈએ. જે લોકો કામ કરે જ છે તેમને ફરીથી વિદ્યાર્થી તરીકે ભણવાની જોગવાઈ હોવી જોઈએ. યોગ્ય અભ્યાસક્રમો શીખવા અને નોકરી પ્રાપ્ત કરવી, જો જરૂરિયાત ઊભી થાય તો અન્ય અભ્યાસક્રમો શીખવા પાછા જવું એ માનદંડ બનવું જોઈએ. ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો આ જ નિષ્કર્ષ છે.