આપને જણાવી દઈએ કે, દેશના પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા સંશોધન બિલને લઈને ખુબ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ બિલનો સૌથી વધુ વિરોધ આસામમાં કરવામાં આવી રહ્યો છે. જ્યાં બિલના વિરોધમાં ગતરોજ એક દિવસનું રાજ્યવ્યાપી બંધ પણ રાખવામાં આવ્યું હતું. જનતાએ રસ્તાઓ પર ઉતરી બિલનો વિરોધ કર્યો હતો. જેના લીધે આસામની સ્થિતિ વધુ વિપરિત બની રહી છે.
બીજી તરફ આઈસા (ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ઓસોસિએશન) દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે સિટીઝન અમેન્ડમેન્ટ બિલના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ ડાબેરી છાત્રસંઘના કાર્યકર્તાઓ અને પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ CABની કોપી પણ સગાવી હતી.
ઉલ્લેખનીય છે કે, સોમવારે લોકસભામાં લાંબી ચર્ચા બાદ મધ્યરાત્રિએ નાગરિકતા સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની તરફેણમાં 311 મત પડ્યા જ્યારે બિલના વિરોધમાં ફક્ત 80 મત પડ્યા હતા. હવે આ બિલને આજે (બુધવારે) રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
આ પહેલાં નાગરિકતા સંશોધન બિલને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ તેના રાજ્યસભાના બધા સાંસદોને સંસદમાં હાજર રહેલા વ્હીપ જાહેર કર્યું છે.