ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2020-21ના સામાન્ય બજેટમાં અમદાવાદ નજીક આવેલા લોથલમાં મેરિટાઈમ મ્યૂઝિયમ બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ અંગેનો વિચાર અને નેમ સૌ પ્રથમ વખત આજથી આશરે 16 વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન રજૂ કર્યા હતા. તા. 13મી ડિસેમ્બર 2003ના દિવસે કચ્છમાં મુંદ્રા આદીપુર રેલ લીન્કના લોકાર્પણ સમારંભ વખતે મીડિયાને સંબોધન કરતા ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ લોથલમાં મેરિટાઈમ મ્યૂઝિયમ બનાવવા અંગે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રની એનડીએ સરકારમાં તત્કાલિન રેલવે પ્રધાન નિતિષ કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, કે જેઓ હાલ બિહારના મુખ્ય પ્રધાન છે. તેમણે પણ પોતાના ભાષણમાં ગુજરાતમાં પોર્ટ આધારિત વિકાસની વિપુલ તક હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આ વિચાર વ્યક્ત કર્યો એ વાતને ઈટીવીએ પોતાના સૌથી લોકપ્રિય સમાચાર 'આપણું ગુજરાત'માં તા. 13મી ડિસેમ્બર 2003ના દિવસે સાંજે સાત વાગ્યે ટેલિકાસ્ટ કર્યા હતા.
આજે આશરે 16 વર્ષ બાદ વર્ષ 2020-21ના સામાન્ય બજેટમાં ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આ નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ફળીભૂત કરવા જઈ રહી છે.