ન્યૂઝડેસ્ક : સફાઈ જાપાની સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વચ્છ પરિસર જાપાની સંસ્કૃતિ અને જીવનશૈલિનો એક હિસ્સો છે. અત્યારે કોરોનાની દહેશતને પગલે આપણે લોકોને માસ્ક પહેરેલા જોઇએ છીએ પરંતુ જાપાનમાં તો સામાન્ય ઠંડી પડે તો પણ સૌ લોકો આવશ્યક રીતે માસ્ક પહેરીને જ બહાર નીકળે છે. જાપાનની પ્રથમ વખત મુલાકાત લેનારા મુલાકાતીઓ સફાઇ માટે જાપાનના ઊંચા માપદંડોને જોઇને આશ્રર્યચકિત થાય છે અને પ્રભાવિત થાય છે.
જાપાનની શાળામાં તાલીમ...
તે દિવસે શાળાનું અભ્યાસકાર્ય પૂર્ણ થઇ ગયું હતું. શિક્ષક બીજા દિવસનું ટાઇમટેબલ જાહેર કરી રહ્યા હતા. બીજા દિવસ માટે સફાઇની ફરજ અંગે શિક્ષકે જાહેરાત કરી કે, “પહેલી બે હરોળમાં બેઠેલા વિદ્યાર્થીઓ વર્ગખંડ સાફ કરશે... ત્રીજી અને ચોથી હરોળમાં બેઠેલા વિદ્યાર્થીઓ ઓસરી અને સીડીઓ સાફ કરશે.. અને પાંચમી હરોળમાં બેઠેલા વિદ્યાર્થીઓ ટોઇલેટ્સ સાફ કરશે.” જાહેરાત થતાની સાથે જ વિદ્યાર્થીઓ ઝાડુ અને બાલટીઓ લઇને નીકળી પડ્યા. જાપાનમાં સમગ્ર દેશમાં તમામ શાળાઓમાં આ નિયમિત પ્રથા છે. જાપાનના લોકો અંગત અને પર્યાવરણીય સફાઇને તેમની સંસ્કૃતિનું એક મહત્વનું પાસુ ગણે છે અને તે અંગે તેમના બાળકોને નાનપણથી જ તાલીમ આપવાનું શરૂ કરી દે છે.
જાપાનીઓની સ્વચ્છતાની આદત માત્ર શાળાઓ પુરતી જ સીમિત નથી !
જાપાનમાં સફાઇની આદત માત્ર શાળાઓ પુરતી જ સીમિત નથી. ઘરે પણ માતાપિતા તેમના બાળકોને સફાઇ અંગે તેમની ફરજો શું છે તેના પાઠ ભણાવે છે. જાપાનના લોકો જ્યારે શાળા કે પોતાના ઘરે આવે ત્યારે તેઓ તેમના પગરખાં બહાર ઉતારે છે અને તેમને એક લોકરમાં મૂકે છે. બાદમાં તેઓ બીજા પગરખાં પહેરીને અંદર પ્રવેશ કરે છે. આ આદતને કારણે બહારની ધૂળ અને ચેપ અંદર આવતા રોકાય છે. લોકો જાપાનના મોટા પ્રવાસન આકર્ષણ બુલેટ ટ્રેનને સાફ કરવા પણ સ્વૈચ્છિક રીતે આગળ આવે છે. કન્સર્ટ જેવી મોટી ઇવેન્ટ દરમિયાન કચરો કચરાપેટીમાં જ ફેંકાય તેનું તેઓ ધ્યાન રાખે છે. તેનાથી પણ આગળ, જે લોક ધૂમ્રપાનના શોખિન છે તેઓ સિગારેટના ઠૂંઠા રોડ પર નથી ફેંકી દેતા. તેઓ સિગરેટની રાખ જ્યાં ત્યાં ના પડે તેના માટે એશટ્રેને પોતાની સાથે લઇને ફરે છે.
રમતગમતમાં પણ સફાઇ …
સામાન્ય રીતે કોઇ પણ મેચના દર્શકો જ્યારે સ્ટેડિયમમાં આવે છે ત્યારે તેમને તેમની ગેમ સિવાય કશામાં રસ હોતો નથી પરંતુ જાપાનીઓની રમતગમત પ્રત્યેની ભાવના પણ અનન્ય છે ! 2014માં બ્રાઝિલમાં અને 2018માં રશિયામાં યોજાયેલા વર્લ્ડ કપમાં આ ભાવનાની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી. ગેમના અંતે જાપાની દર્શકોએ સ્ટેડિયમમાં પહેલાં પોતાની આસપાસ સફાઇ કરી અને ત્યાર બાદ જ તેઓ સ્ટેડિયમમાંથી બહાર નીકળ્યા હતા. જાપાની ખેલાડીઓએ પણ સ્ટેડિયમ છોડતા પહેલાં તેમના ડ્રેસિંગ રૂમ્સ સાફ કર્યા હતા.
ઓફિસમાં સફાઇ
જાપાનીઓના દૈનિક જીવનમાં સામાજિક ચેતના ઉડીને આંખે વળગે તેવી છે. દાખલા તરીકે, સવારે 8 કલાકે ઓફિસે જનારા નોકરિયાતો અને વેપાર ધંધા પર જતા લોકો તેમના પાડોશીઓની શેરીઓ સાફ કરે છે. કોલોનીઓના રહેવાસીઓ નિયમિત રીતે પોતાની શેરીઓ સાફ કરે છે.
નાણાની હાથોહાથ લેવડ-દેવડ નહીં
જાપાનમાં એટીએમમાંથી આવતી ચલણી નોટો પણ ખુબ જ સાફ હોય છે. ચલણી નોટો એક હાથમાંથી બીજા હાથમાં ફરે છે ત્યારે તેના પર કેટલીક અશુદ્ધિઓ ચોંટે છે. માટે જ જાપાનીઓ ચલણી નોટો સીધી કોઇના હાથમાં નથી મુકતા ! નાણાની આપ-લે માટે જાપાનમાં દુકાનો અને હોટેલોમાં, તેમજ ટેક્સીઓમાં પણ, એક વિશેષ ટ્રે જોવા મળે છે. નાણાની આપ-લે માટે ચલણી નોટો સીધી હાથમાં નહીં પરંતુ આ ટ્રેમાં મુકવામાં આવે છે.
વાયરસોની અટકાયત
શરદી અને ફ્લુ ધરાવતા લોકો આવશ્યક રીતે સર્જિકલ માસ્ક પહેરશે. આ લોકો પોતાની સ્થિતિ અંગે ખુબ જ જાગૃત હોય છે અને તેઓ પોતાનો ચેપ બીજામાં ના ફેલાય તેનું વિશેષ ધ્યાન રાખે છે. માસ્ક પહેરવાનો સરળ સિદ્ધાંત વાયરસના ફેલાવાને અટકાવે છે. આમ જાપાન બીમારી રજાઓ અને તબીબી ખર્ચ પર પુષ્કળ નાણા બચાવી શકે છે. સર્જિકલ માસ્ક જાપાનમાં લગભગ તમામ સુપરમાર્કેટ અને ગ્રોસરી સ્ટોરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે જાપાનની સરકારે તમામ શાળાઓ બંધ કરી છે અને જાહેર કાર્યક્રમો રદ કર્યા છે પરંતુ તેણે દુકાનો અને રેસ્ટોરાં ખુલ્લા રહેવા દીધા છે. પોતાના સફાઇ પ્રત્યેના આત્મવિશ્વાસને કારણે જ જાપાને કદાચ આ છૂટ આપી હોઇ શકે છે !