નવી દિલ્હી: ભારત ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા ઘર્ષણમાં સકારાત્મક પ્રવૃત્તિ જોવા મળી છે. LAC પર ત્રણમાંથી બે સ્થળોએ, ભારત અને ચીનની સેનાએ થોડી પીછેહઠ કરી છે. જોકે, પેંગોંગ લેક પર બંને દેશોની સેનાઓ તૈનાત છે.
આપને જણાવી દઇએ કે, ગલવાન ખીણના ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેના વચ્ચે કેટલાક દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. 6 જૂનના રોજ બંને દેશો વચ્ચે જે બેઠક યોજાવા જઇ રહી છે, તેમાં પેંગોંગ લેક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી સંભાવના છે.
મળતી માહિતી મુજબ લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓએ થોડી પીછેહટ કરી છે. સૂત્રોનું માનીએ તો ચીની સેના 2 કિલોમીટર જ્યારે ભારતીય સેના 1 કિલોમીટર પાછળ હટી છે. અહીંના ફિંગર ફોર વિસ્તારમાં બંને દેશોની સેનાઓ ગત ઘણા અઠવાડિયાથી આમને-સામને છે.