રાયપુર: સીએમ હાઉસની બહાર એક યુવકે પોતાને આગ ચાંપી દીધી હતી. યુવાન ગંભીર રીતે દાઝી ગયો છે. મળતી માહિતી મુજબ ધમતરીમાં રહેતા હરદેવ નામના યુવકે બેકારીના કારણે મરવાનો પ્રયાસ કર્યો હતો. હરદેવ સીએમને મળવા ગયો હતો. મુખ્યપ્રધાન સાથે મુલાકાત ન થતા તેણે પોતાને આગ ચાંપી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો, તરત જ પરિસરમાં હાજર સુરક્ષાકર્મીઓ પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવક એકદમ દાઝી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવકનું નામ હરદેવ છે, જેણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બેરોજગારીથી ઝઝૂમતો હરદેવ નોકરી માટે મુખ્યપ્રધાનને મળવા આવ્યો હતો પરંતુ તેઓ સીએમને મળી શક્યા નહીં.
મળતી માહિતી મુજબ, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ હરદેવને મુખ્યપ્રધાનને મળવા દીધો નહીં, ત્યારબાદ તેણે પોતાને આગ ચાંપી દીધી. આ ઘટના બાદ સ્થળ પર હંગામો થયો હતો.
તરત જ નજીકમાં હાજર સુરક્ષાકર્મીઓએ યુવક પર કપડાં અને પાણી નાખી આગને ઠારી હતી, પરંતુ આગ ઠંડી થાય ત્યાં સુધીમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.