શ્રીનગર: વાર્ષિક અમરનાથ યાત્રા પૂર્વે ઐતિહાસિક શંકરાચાર્ય મંદિરમાં શંકર ભગવાનની ગદ્દીને અહીં લાવવામાં આવી હતી. જ્યાં તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન મહંત દિપેન્દ્ર ગીરીએ મંદિરમાં સાધુઓના સમુહનું નેતૃત્વ કર્યું હતું અને છડી મુબારકની પૂજા કરવામાં આવી હતી.
મહંત દિપેન્દ્ર ગીરીએ જણાવ્યું કે, કોવિડ-19 પ્રોટોકોલના કડક પાલન કરવા માટે ફક્ત પસંદગીના સાધુઓએ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, સાધુ સંતોએ આ રોગચાળાને સમાપ્ત કરવા માટે સામૂહિક પ્રાર્થના કરી હતી, જેથી વિશ્વભરના લોકો વહેલી તકે પોતાનું સામાન્ય અને કુદરતી જીવન શરૂ કરી શકે.
કોરોના મહામારી વચ્ચે મંગળવારથી શરૂ થનારી અમરનાથ યાત્રા આ વખતે માત્ર 14 દિવસ એટલે કે 3 ઓગસ્ટ સુધી મર્યાદિત રહેશે. દર વર્ષે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા આયોજિત અને સંચાલિત યાત્રામાં લાખો ભક્તો ભાગ લેતા હોય છે. જોકે, રોગચાળાને લીધે, આ વખતે મર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓને સોનમર્ગ-બાલટાલથી જવાની મંજૂરી આપવામાં આવી છે.