અંતરિક્ષ એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય સમય મુજબ બુધવારે સવારે 2.21 વાગ્યે અભિયાન 'ટ્રાન્સ લ્યુનાર ઇન્સર્શન' (ટી.એલ.આઇ.) પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યાર પછી ચંદ્રયાન -2 સફળતાપૂર્વક 'લ્યુનાર ટ્રાન્સફર ટ્રાજેક્ટરી' માં પ્રવેશી ગયું હતું.
ચંદ્રયાન -2નું 20 ઓગસ્ટના રોજ ચંદ્રની કક્ષામાં પહોંચવાની અને 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર પહોંચવાની આશા છે. ઇસરોએ ટ્વિટ કરી કહ્યું 'આજે ટ્રાન્સ લ્યુનાર ઇન્સર્શન (TLI) બાદ, ચંદ્રયાન -2 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ આગળ વધશે. ઇસરોએ વધુમાં કહ્યું કે 22 જુલાઇએ લૉન્ચ થયું ત્યારથી જ ચંદ્રયાન -2 ની તમામ સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત છે.
ઇસરો અનુસાર, 13 દિવસ પછી, લેન્ડર 'વિક્રમ' અલગ થઈ જશે અને થોડા દિવસો પછી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રના આ ભાગ પર હજી સુધી કોઈ દેશ પહોંચ્યો નથી. આ અભિયાનની સફળતા પછી, રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરનારો ભારત ચોથો દેશ બનશે.