નવી દિલ્હીઃ દિલ્હી રાજ્ય લઘુમતી આયોગના અધ્યક્ષ ડૉ.ઝફરૂલ ઇસ્લામ ખાન વિરુદ્ધ દેશદ્રોહ અને સામાન્ય લોકોની ભાવનાઓ ઉશ્કેરવાનો કેસ દાખલ કરાયો છે. કેસ દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં રહેનારા એક વ્યક્તિની ફરિયાદના આધારે સ્પેશિયલ સેલ સ્ટેશનમાં દાખલ થયો છે.
જો કે, પોસ્ટ કર્યાના થોડા સમય બાદ જ ડૉ.ઝફરૂલે પોતાના વિવાદિત અને ઉશ્કેરણીજનક નિવેદનને સોશિયલ મીડિયા પરથી હટાવી લીધું હતું. આ સાથે જ 1 મે ના રોજ તેમણે આ અંગે માફી પણ માગી લીધી હતી.
FIR અનુસાર, ફરિયાદ કરનારા કૌશલ કાંત મિશ્રા, સેક્ટર એ, વસંતકુંજ નોર્થમાં રહે છે. મિશ્રાએ સફદરજંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 28 એપ્રીલ 2020ના રોજ દિલ્હી રાજ્ય લઘુમતી આયોગના અધ્યક્ષ ડૉ.ઝફરૂલ ઇસ્લામ ખાને એક ઉશ્કેરણીજનક પોસ્ટ ફેસબુક અને ટ્વીટર પર શેર કરી હતી. જેનાથી સમાજમાં અશાંતિ ફેલાઈ શકતી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SP સફદરજંગે ફરિયાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સ્ટેશનમાં મોકલી આપી હતી.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સ્ટેશનના ડૉ.ઝફરૂલ ઇસ્લામ ખાન વિરુદ્ધ આ ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો છે. આ કેસ IPCની કલમ 124એ, 135એના હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ સ્પેશિયલ સેલના ઈન્સપેક્ટર પ્રવીણ કુમારને આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ.ઝફરૂલ ઇસ્લામ ખાને 28 માર્ચના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ આપત્તિજનક નિવેદનો આપ્યાં હતાં. તેમના નિવેદનો પર દેશમાં ચર્ચા શરૂ થઈ હતી. તમામ લોકોએ આ નિવેદનોને ઉશ્કેરણીજનક અને સમાજમાં અશાંતિ ફેલાવનારા ગણાવ્યાં છે.