નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ઇ-કોમર્સ વેબસાઈટ પર વેચાતી દરેક પેદાશો જ્યાં ઉત્પાદિત થતી હોય તે દેશની વિગતો પેદાશ અંગેની માહિતીમાં સામેલ થવી જોઇએ. જે વસ્તુઓ આપણા દેશમાં જ બની હોય તેમાં આ પ્રકારે ઉલ્લેખ કરવો જરૂરી નથી.
ગ્રાહક વિભાગ દ્વારા આ નિયમના અમલ માટે ઇ-કોમર્સ વેબસાઈટને પહેલેથી સૂચનો આપી દેવામાં આવ્યા છે. જો કે, ઇ-કોમર્સ કંપની દ્વારા સ્નેપડીલ દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંકટ દરમિયાન આ પ્રકારના નિયમો લાદવા એ ગેરવ્યાજબી છે. આને પગલે ઇ-કોમર્સ કંપનીના વેપારીઓના ધંધા રોજગાર પર અસર પડશે.
કોરોના મહામારીમાં પાયમાલ થયેલા દેશના અર્થતંત્રને બેઠું કરવા કેન્દ્ર સરકાર દ્વારા સ્વદેશી પેદાશો અપનાવવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે દેશની અડધા ઉપરાંતની જનતા સરકારની અપીલને અનુસરી સ્વદેશી વસ્તુઓ ખરીદતી થઇ છે. આવા સમયે ઇ-કોમર્સ વેબસાઇટ પર પેદાશોની બનાવટ જે દેશમાં થઇ છે તેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કારણ કે, આ દ્વારા જ ગ્રાહકને ખબર પડશે કે તે જે વસ્તુની ખરીદી કરી રહ્યો છે તે સ્વદેશી છે કે વિદેશી.