ન્યૂઝ ડેસ્ક: ભારતમાં કેનેબીઝ ઇન્ડિકા પ્રકારના ગાંજાના છોડ થાય છે અને ભારતના દરેક પ્રદેશમાં કુદરતી રીતે તેનો પાક થઈ શકે છે. દરેક પ્રદેશમાં ગાંજાની જુદી જુદી જાત પણ છે, જેનો સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. સામાજિક અને ધાર્મિક રીતે પણ ગાંજાનો ઉપયોગ થતો આવ્યો છે. ધાર્મિક રીતે મસ્તીમાં લીન થઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત ગાંજાના અને તેને મળતા આવતા શણના છોડ, તેના પાન, રેસા વગેરેને જુદો જુદો ઉપયોગ છે. દવા માટે તથા રેસામાંથી શણનું કાપડ અને સૂતળી તથા તેના થેલાથી માંડીને બાંધકામ પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
ઔષધી તરીકે ગાંજાનો ઉપયોગ તેના ઘણા ઉપયોગમાંનો એક ઉપયોગ છે. ગાંજાના છોડના દરેક હિસ્સાનો કોઈ ને કોઈ ઉપયોગ થઈ શકે છે. કપાસની જગ્યાએ વધારે સહેલાઇથી ઉગતા, સસ્તા અને બહુ ઓછા પાણીની જરૂર હોય તેવા ગાંજાની ખેતીને ઘણી જગ્યાએ પ્રોત્સાહન મળવા લાગ્યું છે.
પ્લાન્ટ જેનેટિક રિસોર્સીઝ, વનસ્પતિના જિનેટિક સ્રોતની રીતે આપણે બહુ મોટો ખજાનો ધરાવીએ છીએ, પણ હજી સુધી તેનો ઉપયોગ કરવા માટેના કોઈ પ્રયાસો થયા નથી. આ વનસ્પતિના કાપડ માટે, ઔષધી તરીકે કે બીજા પદાર્થ તરીકે ઉપયોગ માટેની કેટેગરી પાડવાથી માંડીને તેના વિવિધ બિયારણના સંવર્ધન માટે કોઈ પ્રયાસો કર્યા નથી.
1985 સુધી ગાંજાનો વેપાર મુક્ત રીતે થતો હતો. સરકારના પરવાના હોય તે દુકાનો પરથી ગાંજો અને ભાંગ વેચી શકાતા હતા. અમેરિકાના દબાણના કારણે ભારતે ગાંજા પર પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ નશા સિવાયની તેની કાપડ, દવા અને અન્ય ઉપયોગીતાને ધ્યાનમાં ના લીધી. પ્રતિબંધના કારણે બિયારણની જાળવણી મુશ્કેલ થઈ ગઈ અને તેમાં ભેળસેળ પણ આવી ગઈ છે. હવે અમેરિકામાં જ મારિયુઆનાને ફરી કાયદેસર કરવા માટેની કોશિશો ઝડપી બની છે. અમેરિકામાં હવે મારિયુઆનાનું બજાર અબજો ડૉલરનું થઈ ગયું છે અને તેમાં લાખોને રોજગારી મળે છે. અમેરિકા પાસે સૌથી વધુ પ્રકારના ગાંજા અને શણ છે અને તેના PGRનું સંવર્ધન તથા તેના પેટન્ટ પણ કરવા લાગ્યા છે.
દેશના ઘણા હિસ્સામાં ગાંજો કુદરતી રીતે ઉગે છે. કેટલાક વિસ્તારોમાં તેની ગેરકાયદે ખેતી પણ થાય છે, કેમ કે નશાખોરી માટેનું તેનું બજાર ઉપલબ્ધ છે. એક તરફ ગાંજાની ગેરકાયદે હેરફેર વધી છે અને તેની સામે સરકારને તથા ઉદ્યોગોને આવકનું નુકસાન થઈ રહ્યું છે. સાથે જ હિમાચલ પ્રદેશ જેવા જૈવિક રીતે નાજુક પ્રદેશોમાં બિયારણમાં ભેળસેળથી નુકસાન પણ થઈ રહ્યું છે.
ઘણા રાજ્યોએ શણ અને શણ આધારિત વસ્તુઓના વેપાર માટે પ્રયાસો કર્યા છે, પરંતુ મારિયુઆનામાં અબજો ડૉલરનો કારોબાર થવા લાગ્યો છે તેનો લાભ લેવા માટેની કોઈ તૈયારી ભારતની નથી.
સરકારે ગાંજો અને શણના છોડને પ્રતિબંધમાંથી મુક્ત કરીને તેના બિયારણમાં સંશોધન માટેની મંજૂરી આપવી જોઈએ. ભારતની બિજ કંપનીઓને છૂટ આપવી જોઈએ કે તે ખેડૂતો સાથે મળીને ગાંજાની ખેતીમાં સંશોધન કરી શકે અને નવી જાત વિકસાવી શકે કે સુધારી શકે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને ઈશાન ભારતમાં આ માટેની વિપુલ તક રહેલી છે. તેના કારણે સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે અને ગાંજાનો ગેરકાયદે વેપાર અટકશે.
ગાંજાના બહુ બધા ઉપયોગ છે, તેથી તેના કુદરતી PGRની તપાસ થવી જોઈએ. ICAR અને રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓને તેના સંશોધન માટે છૂટ આપવી જોઈએ. NBPGR તેના વૈવિધ્યસભર રિસોર્સીઝનું સંવર્ધન અને કેટેગરી પાડવાનું કામ કરી શકે છે. ખાનગી ક્ષેત્ર અને બેન્કો પણ આ પ્રયાસોને મદદરૂપ થઈને સમાંતર ઉદ્યોગ વિકસાવી શકે છે. તે રીતે વૈશ્વિક ગાંજા બજારનો ફાયદો લઈ શકાય તેમ છે. નિકાસ માટેની આકર્ષક નીતિને કારણે ભારત વિદેશી કંપનીઓને પણ ગાંજા અને શણના સંશોધન અને વિકાસ માટે મૂડીરોકાણ કરવા આકર્ષી શકાય છે.
ભારતીયો સાથે ભાગીદારીમાં તે માટેના એકમો સ્થાપવાની છૂટ આપવી જોઈએ. ઇઝરાયલ અને જર્મની અત્યારે સૌથી વધુ ગાંજાના ફૂલોની આયાત કરે છે. આ ક્ષેત્રને નિયંત્રણમાંથી મુક્ત કરીને ભારત તેનો સૌથી મોટો નિકાસકાર દેશ બની શકે છે. ગાંજા અને શણની નિકાસ ઉપરાંત ભારતમાં તેના પ્રોસેસિંગ માટેના એકમોને છૂટ આપવી જોઈએ.
નમૂનારૂપે એક્સાઇઝ ઍક્ટમાં ફેરફાર કરી શકાય છે અને અફિણ માટે અપાય છે, તે રીતે ગાંજાની ખેતી તથા પ્રક્રિયાને મંજૂરી આપી શકાય છે. બીજી બાજુ શણના ઉત્પાદન અને સંશોધન માટે બિલકુલ છૂટ આપી દેવાની જરૂર છે. રાજ્ય સરકાર પાસે આવી છૂટ આપવાનો અધિકાર છે.
કપાસની ખેતી માટે ઘણા બધા ખાતર, જંતુનાશક, પાણીની જરૂર પડે છે. ભારત અહીં વૈવિધ્યકરણ કરીને શણના કાપડની નિકાસ કરી શકે છે. ભારતનું હવામાન અને જમીન શણના ઉત્પાદન માટે અનૂકૂળ છે. તેના કારણે દેશભરમાં ઠેર ઠેર ટેક્સટાઇલ કેન્દ્રો બની શકે છે.
કપાસની સામે શણ એ વધારે ઉપયોગી અને જૈવિક રીતે યોગ્ય વિકલ્પ છે. ટેક્સટાઇલ ઉદ્યોગોએ શણના કાપડ માટે સંશોધન કરવું જોઈએ અને વિશ્વમાં સૌથી વધુ શણ કાપડ તૈયાર કરીને તેની નિકાસ કરી શકે છે. તેના કારણે ભારતના ખેડૂતોની આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે છે.
કુદરતે આપણને આ ભેટ આપી છે તેનો ઉપયોગ કરીને ભારતીય ઉદ્યોગો અને ખેડૂતો શણના અને ગાંજાના ઉત્પાદનમાં અગ્રણી બની શકે છે. શું ભારત સરકાર આવું કરી શકશે કે પછી વિદેશી કંપની તેના પેટન્ટ મેળવી લેશે અને આપણા જૈવિક વૈવિધ્યનો ફાયદો ઉઠાવી જશે?
– ઇન્દ્ર શેખર સિંહ, (ડિરેક્ટર – પોલિસી અને આઉટરિચ, નેશનલ સીડ એસોસિએશન ઑફ ઇન્ડિયા)