નાગરિકતા સંશોધન કાનૂન 2019ના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ કાયદો ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી. ગંભીરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, CAA નાગરિકતા આપવા માટે છે અને તેમાંથી કોઇને બહાર કરવામાં આવી રહ્યાં નથી.
વધુમાં તેમણે કહ્યું કે, 'હું સૌને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવા ઇચ્છું છું. આ કાનૂન ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી.' આ પહેલાં ગંભીરે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે સૌને શાંતિપૂર્વક વિરોધ કરવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, જે રીતે આપણે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરી રહ્યાં છીએ તે સ્વીકાર્ય નથી. કોઇપણ રાજનીતિક દળે તેને રાજનીતિક રૂપે ન લેવું જોઇએ. યુવાનોને ભડકાવવા ન જોઇએ. આપણે ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઇએ. હકીકતમાં શનિવારે ગંભીરે પૂર્વ દિલ્હીના શાહદરા જિલ્લાના ડીસીપીને પત્ર લખ્યો હતો અને માગણી કરી હતી કે તેમને અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી મળી રહી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'મને આંતરરાષ્ટ્રીય નંબર પરથી મને અને પરિવારને મારવાની ધમકી મળી રહી છે. હું મારા પરિવારની સુરક્ષા નિશ્ચિત કરવાનો અનુરોધ કરું છું.’
આપને જણાવી દઇએ કે, નાગરિકતા સંશોધન કાનૂન 2019 પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનથી ભાગીને જે લોકો 31 ડીસેમ્બર 2014 પહેલાં ભારત આવ્યાં હતાં તેવા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધો અને ઈસાઈઓને નાગરિકતા આપે છે.