લખનઉ: ઉત્તર પ્રદેશના આગરામાંથી એક બસને હાઇજેક કરવામાં આવી હતી. આ બસ ઇટાવામાંથી મળી આવી છે. ઝાંસીમાં બધા પ્રવાસીઓને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. મળતી માહિતી પ્રમાણે ફાઇનાન્સ કંપનીએ આ બસને હાઇજેક કરી હતી. બસના સવાર 34 પ્રવાસીઓ સુરક્ષિત છે. આ અંગે કંપનીએ પોલીસને તમામ માહિતી આપી હતી.
બસ શ્રીરામ ફાઇનાન્સ કંપની દ્વારા હાઇજેક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ફાઇનાન્સકર્મી બનીને આરોપી બસમાં સવાર થયો હતો. કારથી ઓવરટેક કરીને આરોપી બસમાં ચઢ્યો હતો. અડિશનલ ચીફ સેક્રેટરી અવનિશ અવસ્થીએ જણાવ્યું હતું કે, બસના માલિકનું એક દિવસ અગાઉ જ મોત નીપજ્યું હતું. બસની ફાઇનાન્સ કરનારી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ બસને ગેરકાયદેસર રીતે હાઇજેક કરી લીધી હતી.
આ અંગે આગ્રાના સિનિયર એસપી બબલુસિંહે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં ગ્વાલિયરના ત્રણ પ્રવાસીઓએ ફરિયાદ નોંધાવી છે. પ્રવાસીઓના જણાવ્યાં મુજબ, ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ વચ્ચે રસ્તા પર જ બસને રોકીને હાઇજેક કરી હતી. બસ ગુરૂગ્રામથી મધ્યપ્રદેશના પન્ના જઇ રહી હતી.