કરાતે ઈટીવી ભારત સાથેની ખાસ મુલાકાતમાં સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, 'આ કેવા પ્રકારનો આર્થિક દ્રષ્ટિકોણ છે?' આ સરકાર 'મેક ઈન ઈન્ડિયા નહીં' ભારતને વેચવાનો પ્રયાસ કરી રહી છે.’
કરાતે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીના એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકાર પાસે એર ઈન્ડિયાના ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, અન્યથા એર લાઈન્સને બંધ કરવી પડશે.
બૃંદા કરાતે કહ્યું કે, આ રાષ્ટ્રીય એરલાઈન છે અને સરકારે એર લાઈનને બરબાદ કરી છે. જે ચિંતાનો વિષય છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે બુધવારે સંસદમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ધીમાં વિકાસ દર વચ્ચે વર્તમાન કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને સુધારવા આવશ્યક કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશની અર્થવ્યવસ્થા ગત છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા ખાનગીકરણના પગલાની બૃંદા કરાતે નિંદા કરી હતી.
વધુમાં કરાતે કહ્યું કે, સરકાર દરેક વસ્તુનું ખાનગીકરણ કરી રહી છે. એક દિવસ સરકાર કહેશે કે, 'અમે દેશની રક્ષા કરવા સક્ષમ નથી માટે દેશને પણ ખાનગી ક્ષેત્રમાં સોંપવામાં આવે'. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ તેમનું લક્ષ્ય દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું છે. સરકારની નિંદા કરતા કરાતે કહ્યું કે, 'ભૂખમરાના મામલામાં 117 દેશમાં ભારત 102માં સ્થાને છે. સરકારે પહેલાં આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે.’