દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં એડપીટ ઉન્નાવ સામુહિક દુષ્કર્મ પીડિતાનું મોત થયું છે. પીડિતાએ રાત્રે 11:40 મિનીટે છેલ્લા શ્વાસ લીધા હતા. રાત્રે 8:30 વાગ્યાથી જ પીડિતાની હાલત ગંભીર થવા લાગી હતી. રાત્રે 11:40 વાગ્યે હાર્ટ એટેક આવવાથી તેમનું મોત થયું હતું. ત્યારબાદ દરેક બાજુથી લોકો એક જ માગ કરી રહ્યા છે કે, હેવાનોને ફાંસીની સજા આપવામાં આવે.
શનિવાર સવારે રાજ્યસભાની સાંસદ વૃંદા કરાત ફદરગંજ હોસ્પિટલ પહોંચી. પીડિત પરિવારને મળ્યા બાદ તેમણે કહ્યું કે, આ ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે. પીડિતાના પરિવારની સરખી રીતે સાર-સંભાળ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, પીડિતાનો પરિવાર દિવસ દરમિયાન ભુખ્યો રહ્યો. પોલીસ તંત્ર તરફથી પણ કોઈ હોસ્પિટલ આવ્યું નથી અને કોઈએ પરિવારની સંભાળ લીધી નથી.
આ મુદ્દે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, હું ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરૂં છું કે, આરોપીઓને એક મહિનાની અંદર ફાંસીની સજા આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. 90 ટકા સળગી ગયેલી પીડિતાને ગુરૂવાર સાંજે લખનૌથી એયર લિફ્ટ કરી દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં રાત્રે 11:40 વાગ્યે સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાનું મોત થયું છે.