બેંગલુરુ: ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. અનંત હેગડેએ કહ્યું કે, ગાંધીજીની સ્વતંત્રતા માટેની લડત એક "નાટક" હતું. હેગડેએ ગાંધીજીને "મહાત્મા" કહેવા પર પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે, આવા લોકોને ભારતમાં "મહાત્મા" કેવી રીતે કહી શકાય.
શનિવારના રોજ હેગડેએ બેંગલુરુમાં એક જાહેર સભાને સંબોધન કરતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી માટે બ્રિટીશ લોકોની સંમતિ અને સમર્થનથી સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આઝીદીની આ લડાઇ એક મોટુ નાટક હતું, પોલીસ દ્વારા એક પણ વાર નેતાઓને મારવામાં નથી આવ્યાં, આ નેતાઓએ બ્રિટીશ શાસનની પરવાનગી મળ્યા બાદ ગોઠવણ સાથેની સ્વતંત્રતા લડત શરુ કરી હતી, આ કોઈ વાસ્તવિક લડત નહોતી.
ગાંધીજીના સત્યાગ્રહ અને ભૂખ હડતાલને પણ "નાટક" ગણાવ્યું હતું. હેગડેએ કહ્યું કે, "કોંગ્રેસને ટેકો આપનારા લોકો કહે છે કે, ભૂખ હડતાલ અને સત્યાગ્રહને કારણે ભારતને આઝાદી મળી હતી, આ બરાબર નથી. સત્યાગ્રહના કારણે બ્રિટિશરોએ ભારત છોડ્યું નથી. બ્રિટિશરોએ હતાશામાં આઝાદી આપી હતી અને કહ્યું કે, જ્યારે હું ઇતિહાસ વાંચું છું, ત્યારે મારું લોહી ઉકળે છે કે, આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.